ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
આજે નવલી નવરાત્રિના મહાપર્વનો બીજો દિવસ છે. નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. એટલા માટે તેઓ મા બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.
બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એટલે કે જે તપનું આચરણ કરે છે તે બ્રહ્મચારિણી. તેમને ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે.
આજે તારીખ ૮.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
શાસ્ત્રોની માન્યતા છે કે, ભગવતીએ ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે એક હજાર વર્ષ સુધી ફળોનું સેવન કરી તપ કર્યું હતું. એ પછી ત્રણ હજાર વર્ષ સુધી ઝાડના પાન ખાઇ તપ કર્યું, આ કઠોર તપ બાદ એમને બ્રહ્મચારિણી સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સાધક શાંતિનો અનુભવ કરે છે. આ સાથે જ માતાની પ્રાર્થનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચારની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણી તપની દેવી હોવાથી તેમની પ્રાર્થના એકાગ્રતાનો અનુભવ કરાવે છે. આ સાથે જ મા બ્રહ્મચારિણીની કૃપાથી તેમના આશીર્વાદથી માણસને સર્વત્ર સિદ્ધિ અને સફળતા મળે છે. કહેવાય છે કે, બીજા નોરતે જો મનુષ્ય મા બ્રહ્મચારિણીની પ્રાર્થના કરે તો તેના જીવનની તકલિફો અને સમસ્યા દૂર થાય છે. અને તેના જીવનમાં શાંતિ સ્થપાય છે.
માતા બ્રહ્મચારિણી માતાનો મંત્ર
या देवी सर्वभूतेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।