ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑક્ટોબર, 2021
બુધવાર
આજે શારદીય નવરાત્રી નું આઠમું નોરતું છે. આજે માતાના આઠમાં સ્વરૂપ મહાગૌરી ની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી ને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર માએ પાર્વતી રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ખૂબ કઠોર તપ કર્યુ હતુ. આ કઠોર તપના કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીને ગંગાજીના પવિત્ર જળથી ધોયુ હતુ ત્યારે તે વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન-ગૌર થઈ ઉઠ્યુ હતુ, ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યુ.
દુર્ગાસપ્તશતીમાં જણાવેલ છે કે શુંભ નિશુંભ સહિત અનેક પરાક્રમી અસુરોનો વધ કરીને મા જ્યારે શાંતચિત્તે બેઠાં હતાં ત્યારે તેમના અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મા પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી એ સમયે આ મહાગૌરીના રૂપના દેવતાઓને દર્શન થયાં હતાં. મહાઅષ્ટમીના દિવસે, દેવી દુર્ગાની પૂજા કરવા ઉપરાંત કન્યા પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કન્યાઓનુ પૂજન કરી અને તેમને ભોજન કરાવવામાં આવે છે. મહાષ્ટમીના દિવસે મા દુર્ગાની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આજે તારીખ ૧૩.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. 'અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.' તેમનાં સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ અને નીચેનો ડાબો હાથ વરદમુદ્રામાં છે. તેમની ઉપાસનાથી ભક્તોના બધા કષ્ટો દૂર થઈ જાય છે. મા ગૌરીની ઉપાસના નીચે લખેલા મંત્રોથી કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु माँ गौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।