ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
આસો નવરાત્રિનો પ્રારંભ આજે થઈ રહ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘શૈલપુત્રી’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વતપુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમ જ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજમાન છે. એથી તેમને દેવી વૃષારૂઢાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના ડાબા હાથમાં ત્રિશૂલ ધારણ કરવામાં આવ્યું છે અને તેમના જમણા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે.
માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવજંતુઓના રક્ષક માનવામાં આવે છે. તેમની આરાધનાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે. આથી દુર્ગમ સ્થાનો પર વસતાં પહેલાં માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે. કહેવાય છે કે તેમની સ્થાપનાથી એ સ્થાન સુરક્ષિત થઈ જાય છે. માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ એ સ્થાન પર આફતો, રોગ, વ્યાધિ, રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે.
આજ થી શરૂ થઈ રહ્યા છે નવલા નોરતા, જાણો ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત
મા શૈલપુત્રીની પૂજાનો મંત્ર
वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
માતા શૈલપુત્રીની આરાધના કરતી વખતે સાધકને તમામ પાવન નદીઓ, દસ દિશાઓ અને તીર્થસ્થળો નું આહ્વાન કરવું જોઈએ. આ દરમિયાન ઘરમાં કપૂર પ્રગટાવવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે.
મજબૂતીનું પ્રતીક માતા શેલપુત્રી
માતા શૈલપુત્રીને જીવનમાં એક મજબૂતાઈનું પ્રતીક માનવામાં આવે છે. જો મહિલાઓ માતા શૈલપુત્રીની આરાધના કરે છે, તો તેમને મનુષ્યચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.