ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
18 ઓક્ટોબર 2020
નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. માં બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને તેમના પતિ તરીકે મેળવવા માટે આકરી તપસ્યા કરી હતી. આ કઠીન તપને કારણે દેવીને તપશ્વારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે ત્યાગ અને તપની દેવી પણ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીએ શ્વેત વસ્ત્ર પહેર્યા છે. એમના એક હાથમાં અષ્ટદળની જપમાળા અને બીજા હાથમાં કમંડલ સુશોભિત છે…
દંતકથાઓમાં એવો ઉલ્લેખ છે કે,પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.
માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની રીત
માતા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે પીળા કે સફેદ વસ્ત્ર પહેરો, લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખો. માતાને સફેદ વસ્તુઓ અર્પણ કરો. જેમ કે – મિસરી, સાકર અથવા પંચામૃત.જ્ઞાન અને વૈરાગ્ય માટે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો. માં બ્રહ્મચારિણી માટે “ॐ એં નમ:“મંત્રનો જાપ કરો.
માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટેનો મંત્ર
દધ્યાના કરપદ્માભ્યાં અક્ષમાલા કમંડલુ |
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ||
નવરાત્રિના બીજા દિવસે આ મંત્રથી જો માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે તો સાધકના જીવનમાં તપ, ત્યાગ, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં આવતા ગમે તેવા સંઘર્ષના સમયમાં મન વિચલિત થતું નથી
