ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧ જુન ૨૦૨૧
મંગળવાર
500 વર્ષ પછી સનાતનીઓ માટે હરખની ઘડી આવી છે. રામ મંદિરનું કામ જોર શોર થી ચાલુ છે. રામ મંદિરનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યુ તે જાણવા માટે દેશવાસીઓ ઉત્સુક છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ આ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
હાલની માહિતી મુજબ સૌ પ્રથમ મંદિરનો પાયો ખોદવામાં આવ્યો હતો ત્યારબાદ પાયા ભરાવાનું કાર્ય ચાલુ છે. 400 ફૂટ લંબાઈ અને 300 ફૂટ પહોળાઈ વિસ્તાર (1.20 લાખ સ્ક્વેરફૂટ)માં મંદિરનો પાયો બની રહ્યો છે. એમાં 44 લેયર બનાવવામાં આવશે. અત્યાર સુધી પાયાનાં છ લેયર તૈયાર થઈ ગયાં છે. (લેયર 12 ઈંચ જાડાઈનું બનાવવામાં આવી રહ્યું છે.)
જોકે તાઉ-તે અને યાસ વાવાઝોડા-વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી કામ બંધ હતું, જે સોમવારથી ફરી શરૂ થયું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગઈકાલે (સોમવારે) કામકાજ જોવા માટે મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કામ આવતા ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના પાયામાંથી નીકળેલી જમીનને રામ મંદિરની પ્રસાદી માનીને એને ઘરે-ઘરે પહોંચાડવાની યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. રોજ અહીં રામલલાનાં દર્શન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓ એને પવિત્ર રજકણ માનીને નાની ડબ્બી માં પોતાની સાથે લઈ જતા હતા.