રામ નવમીનું પાવન પર્વ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ નાં જન્મોત્સવનો શુભ તહેવાર છે. ચૈત્ર નવરાત્રીના નવમા દિવસને રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ભગવાન રામનો આજના દિવસે જન્મ થયો હતો. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂજા વિધિ અને વિધાન સાથે ધામધૂમથી થાય છે. રામ નવમીનો તહેવાર ભગવાન રામના આદર્શો પર ભાર મૂકે છે. ભગવાન રામે તેમના આચરણ દ્વારા સમાજમાં આર્દશ મૂલ્યો સ્થાપિત કર્યા છે.
આજનાં દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાનીની પૂજા પણ કરે છે. રામનવમીનાં દિવસે અયોધ્યા સહિત તમામ રામ મંદિરોમાં જન્મોત્સવ મનાવવામાં આવશે. જો કે આ વખતે કોરોના મહામારીના પગલે સાર્વજનિક જગ્યા પર જવાનું ટાળવું જોઈએ અને ઘરમાંજ આ ઉત્સવને મનાવવો જોઈએ.
આજે શ્રીરામની પૂજા કરતી વખતે ''ऊॅ રામભદ્રાય નમઃ' મંત્રનો જાપ કરો તો કાર્યોમાં આવતી સમગ્ર અડચણો દૂર થઈ જાય છે. આ દિવસે 'ऊॅ જાનકી વલ્લભાય સ્વાહા' મંત્રની 10 માળા કરવાથી માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો થાય છે. એવી માન્યતા છે કે અસુરોના રાજા રાવણનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ ત્રેતા યુગમાં રામ રુપે સાતમો અવતાર લીધો હતો.
રામ નવમી પૂજા મુહૂર્ત
ચૈત્ર શુક્લ નવમીએ અયોધ્યામાં મહારાજા દશરથનાં ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. તેમની માતા કૌશલ્યાએ તેમને બપોરનાં સમયે જન્મ આપ્યો હતો. એવામાં રામ જન્મોત્સવનું મુહૂર્ત પણ બપોરનાં સમયે જ હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ દિવસે 11 વાગીને 02 મિનિટ અને બપોરે 01 વાગીને 38 મિનિટ સુધી મનાવી શકાશે. ચૈત્ર શુક્લની નવમી તિથિનો પ્રારંભ 20 એપ્રિલે મોડી રાતે 12.43 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે કે જે 21 એપ્રિલે મોડી રાતે 12.35 વાગ્યા સુધી રહેશે.
રામ નવમી પૂજા વિધિ
રામ નવમીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. ત્યારબાદ ભગવાન રામની આરતી કરો.