News Continuous Bureau | Mumbai
આજે અખાત્રીજનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ એટલે અક્ષય તૃતીયા જે અખાત્રીજ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર શોભન અને માતંગ યોગ હોવાથી દાનનું પુણ્યફળ અનેકગણું વધી જશે. આજના દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળે છે. સાથે જ, તૈતિલ કરણ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિનો ચંદ્ર રહેશે. આ સ્થિતિમાં કરવામાં આવતાં દાનથી રોગનાશ અને લાંબી ઉંમર મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે.
આ વખતે પાંચ ગ્રહોની શુભ સ્થિતિ અને પાંચ રાજયોગમાં આ મહાપર્વ ઉજવાશે. અખાત્રીજે આવો પંચમહાયોગ આજ સુધી બન્યો નથી. આજે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે. આજનો પર્વ વણજોયા મુહૂર્ત તરીકે પણ ઓળખાય છે. આ દિવસે કરવામાં આવતાં શુભ કામમાં સફળતા મળે છે. તિથિ અને નક્ષત્રના શુભ સંયોગના કારણે આ પર્વ સ્નાન, દાન અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
એક મિડિયા હાઉસને પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રનાએ જણાવ્યા મુજબ આ વખતે અખાત્રીજે સૂર્ય, ચંદ્ર, શુક્ર ઉચ્ચ રાશિમાં અને ગુરુ, શનિ પોતાની જ રાશિમાં રહેશે. સાથે જ કેદાર, શુભ કર્તરી, ઉભયચરી, વિમલ અને સુમુખ નામના પાંચ રાજયોગ બનશે. આ દિવસે શોભન અને માતંગ નામના બે અન્ય શુભ યોગ રહેશે. આ પ્રકારે અખાત્રીજે ગ્રહોનો મહાસંયોગ પહેલીવાર બની રહ્યો છે. જેથી આ દિવસે કરવામાં આવતા કાર્યોથી સુખ અને સમૃદ્ધિ વધશે.
મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ આવતા 100 વર્ષ સુધી આવો શુભ સંયોગ બનશે નહીં. અખાત્રીજે રોહિણી નક્ષત્રનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે આ વખતે બની રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આજે તારીખ – ૦૩:૦૫:૨૦૨૨ :રાશિ પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, જાણો આપનું આજનું રાશિફળ
જ્યોતિષ શાસ્ત્રમાં 12માંથી 11 મહિના યુગાદિ અને મન્વાદિ તિથિનો સંયોગ બને છે. જેને ગાણિતિક પક્ષમાં યુગના શરૂઆતની તિથિ તથા મનુઓના મન્વંતરની તિથિ કહેવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે સમયે યુગની શરૂઆત થઈ તેને યુગાદિ તિથિ કહેવાય છે. અખાત્રીજ યુગાદિ તિથિની શ્રેણીમાં આવે છે.
એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મંગળવારે તૃતીયા તિથિ હોવાથી સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કરવામાં આવતાં દરેક કામમાં સફળતા મળવી લગભગ નક્કી છે. તૃતીયાને જયા તિથિ કહેવામાં આવે છે. એટલે જીત આપનારી તિથિ. આ જ કારણ છે કે આ તિથિમાં કરવામાં આવતા કામ લાંબા સમય સુધી ફાયદો આપે છે. એટલે તેનું અક્ષય ફળ મળે છે. તૃતીયા માતા ગૌરીની તિથિ છે. જે બળ-બુદ્ધિ વર્ધક માનવામાં આવે છે. જે આરોગ્ય આપનારી હોય છે. આ તિથિમાં કરવામાં આવતા કાર્યોથી સૌભાગ્ય વધે છે. આ તિથિએ ઘરેણાંની ખરીદી અને શુભ કામ કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. એટલે આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે અને આ જ કારણે આ દિવસે કરવામાં આવતી ખરીદી સુખ અને સમૃદ્ધિ આપનારી હોય છે.
આજની આ શુભ તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની કમાણીનો થોડો અંશ દાન કરવો જોઈએ. આ દિવસે 14 પ્રકારના દાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામા આવ્યું છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં વાદ-વિવાદ કરવો જોઇએ નહીં. આ દિવસે ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. વાદ-વિવાદથી બચવું. નશો કરવો નહીં. ધર્મ પ્રમાણે કર્મ કરવું. અધાર્મિક કાર્યો કરતાં લોકોને અક્ષય તૃતીયાના દિવસે કરેલાં દાન-પુણ્યનું પૂર્ણ ફળ મળી શકતું નથી.
અક્ષય તૃતીયા સાથે અનેક ખાસ વાતો પણ જોડાયેલી છે, અક્ષય તૃતીયાએ તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન બાદ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઇએ. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની વિશેષ પૂજા કરવામાં આવે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ભગવાનને ચણાની દાણ, મિશ્રી, કાકડી અને સત્તૂનો ભોગ ધરાવવાની પરંપરા છે. બ્રાહ્મણોને જવનું દાન કરવું જોઇએ. આ દિવસે પાણીથી ભરેલાં માટલા, ઘઉં, સત્તૂ અને જવનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતાં દાન-પુણ્યથી મળતું ફળ અક્ષય હોય છે. આ તિથિએ સોના-ચાંદી ખરીદવા શુભ મનાય છે. દેવતાઓની પ્રિય અને પવિત્ર ધાતુ હોવાથી આ દિવસે સોનાની ખરીદારીનું મહત્ત્વ વધારે છે. સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ આ તિથિથી થઇ છે એવી માન્યતા પ્રચલિત છે. ભગવાન પરશુરામનો અવતાર પણ આ દિવસે થયો છે.અક્ષય તૃતીયાએ સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે, જેના કારણે આ તિથિએ મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરી શકાય છે.