ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
તપ-જપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસની આજે પૂર્ણાહુતિ થશે. આ વખતે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો અને સોમવારે જ શ્રાવણ માસની પૂર્ણાહુતિનો સંયોગ સર્જાશે. શ્રાવણ વદ અમાસ એટલે કે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સોમવતી અમાસે મહાદેવનાં દર્શનનો લાભ લેવા દૂર-દૂરથી ભક્તો આવી રહ્યા છે અને મંદિરમાં વહેલી સવારે 4.00 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી છે.
શ્રાવણ માસમાં શિવમહિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શિવભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે, એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની ભગવાન શિવની પૂજા કરી બીલીપત્ર ચઢાવી રહ્યા છે. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બીલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ્ નમઃ શિવાયના જાપ કરી ભગવાન શિવના આશીર્વાદ અને કૃપાદૃષ્ટિ મેળવશે.
આજે તારીખ ૬.૯.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ
આજે શ્રાવણી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ સ્નાન કરી પીપળે પાણી ચડાવી રહ્યા છે. શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહેવામાં આવે છે. આજે મોટી સંખ્યામાં લોકોએ પીપળાની પૂજા કરી પાણી ચડાવી રહ્યા છે. લોકો સ્નાન કરી પિતૃના મોક્ષ માટે પીપળના વૃક્ષને પાણી અર્પણ કરે છે. દર વર્ષે શ્રાવણી અમાસના દિવસે પીપળે પાણી ચડાવવાની પરંપરા પહેલેથી ચાલી આવી છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષને પાણી ચડાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે.