ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 9 એપ્રિલ 2021.
શુક્રવાર.
વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. વારાણસીના જજે પુરાતત્વ વિભાગની પાંચ સદસ્યો ની ટીમને જ્ઞાનવાપી મસ્જિદનું સર્વેક્ષણ કરી કોર્ટને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદને પોતાની માલિકીનું ગણાવતા પક્ષકારોએ અદાલતમાં એક અરજી દાખલ કરી છે. આ યાચિકા માં વિશ્વનાથ મંદિર અથવા તો વિશ્વેશ્વર મંદિરનો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે.
ક્યાં છે આ જ્ઞાનવાપી મસ્જિદ અને શું છે એનો મુદ્દો એ જાણવા આપણે ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.
કહેવાય છે કે, બાદશાહ અકબર ના શાસનકાળમાં એક વખત બનારસ અને એના આજુબાજુના વિસ્તારોમાં ભયંકર અકાળ પડ્યો હતો. બાદશાહ અકબરે તેમના દરેક ધર્મગુરુઓને વરસાદ લાવવા માટે પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે ખાસ આગ્રહ વારાણસીના ધર્મગુરુ નારાયણ ભટ્ટ ને પણ કર્યો હતો. નારાયણ ભટ્ટ ની પ્રાર્થના થી ૨૪ કલાકની અંદર જ તે વિસ્તારમાં વરસાદ પડયો હતો. આનાથી બાદશાહ અકબર ખુબ જ ખુશ થયાં હતાં. તે જ વખતે નારાયણ ભટ્ટે અકબરને ભગવાન વિશ્વેશ્વર નું મંદિર બનાવવાની પરવાનગી માંગી હતી. બાદશાહ અકબરે તેમના નાણામંત્રી રાજા ટોડરમલને મંદિર બનાવવાનો આદેશ આપ્યો. આવી રીતે ભગવાન વિશ્વેશ્વરના ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું. જ્ઞાનવાપીના એક વીઘા જેટલા વિસ્તારમાં આ ભવ્ય મંદિરની સ્થાપના થઈ. માન્યતા છે કે, ભગવાન વિશ્વેશ્વરે સ્વદેહે ત્યાં આવીને પોતાના ત્રિશુળથી ખાડો ખોદીને કુવો બનાવ્યો હતો,જે આજે પણ ત્યાં મોજુદ છે. જ્ઞાનવાપી વિસ્તારમાં ચાર મંડપ છે. જ્યાં ધર્મનું અધ્યયન કરવામાં આવે છે.
યાચિકા મુજબ ત્યારબાદ ઈ.સ. 1669ની 18 એપ્રિલે એ વખતના બાદશાહ ઔરંગઝેબની કાન ભંભેરણી કરી કે , વિશ્વેશ્વર ના મંદિરમાં અંધવિશ્વાસના પાઠ ભણાવવામાં આવે છે. એ જ વખતે ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. (જેનો ઉલ્લેખ અરબી ભાષામાં લખાયેલું મા અસીર-એ- આલમગીરી માં પણ છે અને આ પુસ્તક કલકત્તાની એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની લાઇબ્રેરીમાં છે.) જો કે ઔરંગઝેબના આદેશ બાદ મંદિરનો થોડોક હિસ્સો બાકી રહ્યો હતો. જ્યાં પૂજા થતી હતી અને મંદિરની લગોલગ જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી.જેમાં મંદિરના તૂટેલા અવશેષો નો પણ ઉપયોગ થયો હતો. ત્યારથી જ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે આ વાતને લઇને વિવાદ શરૂ થયો છે. જોકે વિવાદ શરૂ થવાનું કારણ મુસલમાનો દ્વારા મંદિરની બહાર નમાઝ પઢવાના લીધે થયો છે. ઈ.સ. 1828માં અંગ્રેજોએ પુરી જમીન હિન્દુઓને આપી દીધી હતી, એવો દાવો પણ આ યાચિકામા કરવામાં આવ્યો છે. આ જ આધાર પર હિન્દુ પક્ષકાર પુરા જ્ઞાનવાપી પરિસરમાં પોતાનો માલિકીના હકનો દાવો કરે છે.
જોકે આ પુરા મામલાનો અંતિમ નિર્ણય પુરાતત્વ વિભાગ તરફથી આવનાર રિપોર્ટ પર જ થશે. કારણ કે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં પણ અદાલતે અંતિમ નિર્ણય પુરાતત્વ વિભાગની રિપોર્ટના આધારે કર્યો હતો.
