ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
આજે સોમવા૨થી ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણનો પ્રારંભ થઈ ગયો છે. દેશભરનાં અનેક શિવ મંદિરોમાં હ૨ હ૨ મહાદેવ તથા ૐ નમ: શિવાયનો ગગનભેદી નાદ ગુંજી ઊઠ્યો છે. યોગાનુયોગ શ્રાવણ મહિનાનો પ્રારંભ પણ સોમવારે અને સમાપન પણ સોમવારે છે. આ વખતે પાંચ સોમવા૨ હોવાથી ભક્તોમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે, ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તો આજે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે.
કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારે ધાર્મિક સ્થળોએ આવતા લોકોને વારંવાર સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે, પરંતુ લોકો જાણે કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા માટે લાઇનમાં ઊભા રહેલા શ્રદ્ધાળુઓએ માસ્ક પહેર્યાં નહોતાં અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.
કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર વારંવાર લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે અને જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ દેશનું એકમાત્ર રાજ્ય છે જે અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધુ કોવિડ રસી ડોઝનું સંચાલન કરે છે.