ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
આજે નવરાત્રીનું છઠ્ઠું નોરતું એટલે કે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયની ઉપાસના કરવામાં આવે છે. કાત્ય ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધિ મહર્ષિ કાત્યાયને ભગવતી પરામ્બાની ઉપાસના કરી. કઠિન તપસ્યા કરી. તેમની ઈચ્છા હતી કે તેમને પુત્રી પ્રાપ્ત થાય. માતા ભગવતીએ તેમના ઘરે પુત્રી રૂપમાં જન્મ લીધો હતો. એટલા માટે આ દેવી કાત્યાયની કહેવાઈ. તેમના ગુણ શોધકાર્ય કરવાનું છે. એટલા માટે આ વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્વ સર્વાધિક થઈ જાય છે. તેમની કૃપાથી બધા કામ પૂરાં થઈ જાય છે. તેઓ વૈદ્યનાથ નામની જગ્યાએ પ્રગટ થયા હતા અને ત્યારથી તેમની પૂજા શરૂ થઈ હતી. માતા કાત્યાયની અમોઘ ફળદાયીની છે. ભગવાન કૃષ્ણને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ પણ માતા કાત્યાયની પૂજા કરી હતી. આ પૂજા કાલિંદ્રી યમુનાના કિનારે કરવામાં આવી હતી. એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠત થયેલાં છે.
તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે.
આ મંત્રનો જાપ કરો
"कात्यायनी महामाये, महायोगिन्यधीश्वरी।
नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।"
મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસના કરવી જોઈએ.