ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
મા દુર્ગાના સાતમાં રૂપને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા દુર્ગાએ અસુરોના વધ માટે દેવી કાળરાત્રિનું સ્વરૂપ લીધુ હતું. તેમનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહે છે. દેવી દુર્ગાએ અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે પોતાના તેજથી તેમને ઉત્પન્ન કર્યા હતાં.
શાસ્ત્રોમાં માતા કાળરાત્રિની પૂજાને શુભ ફળદાયી ગણવામાં આવે છે. આ જ કારણે તેમને શુભંકારી પણ કહે છે. એવી માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહબાધા દૂર થાય છે. તેમના શરીરનો રંગ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે. તેમના ચાર હાથ છે. જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલો છે. આ ઉપરાંત તેમના બીજા બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રામાં છે. દેવીના ત્રણ નેત્ર છે. તે ત્રણેય નેત્ર બ્રહ્માંડ સમાન ગોળ છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળી રહ્યો છે. તે ગર્દભની સવારી કરે છે.
અંધકારમય સ્થિતિઓનો વિનાશ કરનારી શક્તિ છે કાલરાત્રિ. કાલથી પણ રક્ષા કરનાર આ શક્તિ છે. આ ઘણી શક્તિશાળી અને ફળદાયી માતા છે. આજના દિવસે સાધકનુ મન 'સહસ્ત્રાર' ચક્રમાં પ્રવેશ કરી જાય છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈને ભાગી જાય છ. તેઓ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનારી છે. આજની પૂજાનો આરંભ નીચે લખેલા મંત્રથી કરવો જોઈએ.
या देवी सर्वभूतेषु मां कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।