News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના કોનો નેશનલ પાર્ક તરફથી એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વધુ એક વયસ્ક ચિત્તાનું મૃત્યુ થયું છે. દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા અન્ય ચિત્તા ‘ઉદય’નું મોત નિપજ્યું છે. ચિત્તા ઉદય બિમાર હોવાથી તેની કુનો નેશનલ પાર્કમાં સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે.
જો કે ચિત્તા ઉદયનું મૃત્યુ કેવી રીતે થયું, તેનું હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી. પ્રેસ નોટ અનુસાર 23મી એપ્રિલે નર ચિત્તો ઉદય બિમાર હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની નજીક જવામાં આવ્યું ત્યારે ચિત્તો ઉદય માથુ નીચે નમાવીને લડખડાઈને ચાલતો હતો. એક દિવસ પહેલા તેનું મોનિટરિંગ કરાયું હતું, ત્યારે તે એકદમ સ્વસ્થ હતો. ત્યારબાદ ડોક્ટરોને ચિત્તાની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ચિત્તા ઉદયનું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું અને તે બીમાર હોવાનું જણાઈ આવ્યું હતું.
ચિત્તા ઉદયનું સારવાર દરમિયાન મોત
પ્રેસનોટમાં વધુમાં જણાવાયું છે કે, સવારે 11 વાગ્યાની આસપાસ ચિત્તા ઉદયને બેભાન કરાયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. ચિત્તા ઉદયને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ સાંજે 4 વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
 
			         
			         
                                                        