પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
સખીઓ પરમાત્માને મનાવે છે. આ સંસારના વિષયોનો મનથી ત્યાગ ન કરે ત્યાં સુધી ભક્તિ થતી નથી. કહ્યું છે, સચ્ચા ત્યાગ કબીરકા, મનસે દિયા ઉતાર. મનુષ્ય બહારથી ત્યાગ કરે છે પણ મનથી તે ત્યાગ કરતો નથી, તેથી તે ભક્તિ બરાબર કરી શકતો નથી. શરીરથી ત્યાગ કરે છે, પણ મનથી ત્યાગ ન કરે તો એ દંભ છે. મનથી ત્યાગ કરે એ સાચો ત્યાગી. તમારું મન કેવું છે, કયાં છે તે મહત્ત્વનું છે. તમારું તન ગમે ત્યાં જાય-પણ મન ઇશ્વરથી દૂર ન જાય. આ ઉપર વૃત-અવૃત નામના બે બ્રાહ્મણ સાધુઓનું દ્દષ્ટાંત છે. વૃત અને અવૃત નામના બે બ્રાહ્મણ સાધુઓ જાત્રા કરવા નીકળ્યા છે. પ્રયાગરાજ જવાનું છે. પ્રયાગમાં વેણી માધવનું મંદિર છે. આજે જન્માષ્ટમી છે. આજે વેણી માધવનાં દર્શન કરવાં છે. રસ્તે ચાલતાં ચાલતાં રાત પડવા આવી. થાકી ગયા. પ્રયાગરાજ હજુ થોડું દૂર છે. તેવામાં રસ્તામાં એક વેશ્યાનું ઘર આવ્યું. અવૃતે કહ્યું, વરસાદ બહુ પડે છે, અંધારું છે. રસ્તો દેખાતો નથી. હું અહીં જ મુકામ કરવાનો. મારાથી ચલાય તેમ નથી. તારે આગળ જવું હોય તો જા. વૃતે એમ માન્યું કે આની દાનત બગડી છે. તે ભલે અહીં રહે. હું તો આગળ જઇશ. અવૃત્તે તો ત્યાં જ ઘરમાં મુકામ કર્યો. વૃત આગળ ચાલ્યો, પ્રયાગ પહોંચી ગયો અને તેણે પ્રયાગરાજના મંદિરમાં મુકામ કર્યો. અવૃત કે જેણે વેશ્યાના ઘરમાં મુકામ કરેલો તે પસ્તાવો કરવા લાગ્યો. ધિકકાર છે મને. જન્માષ્ટમીના દિવસે હું વેશ્યાના ઘરમાં બેઠો છું. હું કેટલો બધો અભાગી છું કે હું અત્રે વેશ્યાના ઘરમાં રાત રહ્યો છું. મારો, મિત્ર કેટલો ભાગ્યશાળી છે, તે અત્યારે પ્રભુનાં દર્શન કરતો હશે. પ્રભુનું મુખારવિંદ નિહાળતો હશે. મંદિરમાં મોટો ઉત્સવ થતો હશે. વૈષ્ણવો દર્શન કરવા આવ્યા હશે. રાધાકૃષ્ણની ઝાંખી કરતા હશે. અવૃત તન્મય થયો. રાધાકૃષ્ણની ઝાંખી કરે છે. તે બેઠો છે વેશ્યાના ઘરમાં, પણ તેનું મન છે માધવમાં. આ પ્રમાણે જે વેશ્યાના ઘરમાં બેઠો છે તે સતત રાધામાધવનું ધ્યાન કરે છે, ત્યારે હવે વૃત કે જે મંદિરમાં પહાંચ્યો છે તેની દશા જોઈએ. વૃતનું ધ્યાન ઈશ્વરમાં લાગતું નથી. ચિત્ત ઇશ્વરમાં ચોંટતું નથી. તે તનથી મંદિરમાં હતો. પણ તેનું મન મંદિરમાં ન હતું. તે વિચારવા લાગ્યો, વેશ્યા હતી તો અતિસુંદર. હું પણ ત્યાં રહ્યો હોત તો ખોટું ન હતું. મારો મિત્ર ભાગ્યશાળી છે. તે અત્યારે વેશ્યા સાથે મોજ કરતો હશે. હું નકામો મહાકષ્ટ વેઠી અત્રે આવ્યો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૬
આ પ્રમાણે મંદિરમાં તે વેશ્યાનું ચિંતન કરે છે. બેઠો છે માધવજીના મંદિરમાં, પણ તેનું મન છે વેશ્યામાં, તે ઈશ્વરના મંદિરમાં વેશ્યાનું ચિંતન કરવા લાગ્યો. કહેવાની જરૂર નથી, પહેલાંને (અવૃતને) મુક્તિ મળી અને બીજાને અધોગતિ. વેશ્યાના ઘરમાં હતો તેને લેવા માટે વિમાન આવ્યું. તે ભલે હતો વેશ્યાના ઘરમાં, પણ તેનું મન હતું માધવરાયમાં. પહેલો વેશ્યાના ઘરે ભગવાનનું ચિંતન કરતાં કરતાં વિષ્ણુલોકને પામ્યો, ત્યારે બીજો મંદિરમાં હતો. પણ મંદિરમાં વેશ્યાનું ચિંતન કરતાં કરતાં તે નરકમાં ગયો. દેહશુદ્ધિ નહિ, મનશુદ્ધિ જરૂરની છે. ગાપીઓ કહે છે, પતિ પાસે તો તે સ્ત્રી જાય છે કે જેના મનનાં કાંઈ વિકાર-વાસના હોય. જેના મનમાં વિકાર-વાસના ન હોય તે જ પ્રભુ પાસે આવે છે. અમારા મનમાં કોઇ વિકાર-વાસના નથી. ભગવાન ગોપીઓને પૂછે છે:-તમારા મનમાં કોઈ વિકાર નથી. તેનું પ્રમાણ શું? પ્રમાણ આપો. ગોપીઓ કહે છે:-નાથ, તમે જ પ્રમાણ છો. તમે અંદર બેઠા છો.કો દેવો યો મન: સાક્ષી । જે મનને સાક્ષીરૂપે નિહાળે છે તે ઈશ્વર, મનની અંદરનાં ભાવકુભાવને નિહાળે છે. અમારામાં કોઈ વિકાર હોય, તે આપથી અજાણ ન હોય, આપ કિલ બન્ધુ રાત્મા છો. અમારા મનમાં કોઈ વિકાર નથી. હવે એક જ ઇચ્છા છે, તમને મળવું છે. ઇશ્વર પરિપૂર્ણ વૈરાગ્ય, પરિપૂર્ણ પ્રેમ-ભક્તિ, પરિપૂર્ણ જ્ઞાન માંગે છે. યત્પત્યપત્યસુહ્રદામનુવૃત્તિરઙ્ગ સ્ત્રીણાં સ્વધર્મ ઈતિ ધર્મવિદા ત્વયોકતમ્ । અસ્ત્વેવમેતદુપદેશપદે ત્વયીશે પ્રેષ્ઠો ભવાંસ્તનુભૃતાં કિલ બન્ધુરાત્મા ।। ભા.સ્કં.૧0.અ.૨૯.શ્લો.૩૨. આપે અમને પતિસેવા કરવાની આજ્ઞા કરી છે, તે બરાબર છે. આપે પતિવ્રતાનો ધર્મ સમજાવ્યો. શરીરનો પતિ ઘરમાં છે, પણ આત્માના સાચા પતિ આપ છો. આપે કહ્યું કે પતિમાં ઈશ્વરની ભાવના રાખી પતિની સેવા કરો. પતિમાં ઇશ્વરની ભાવના તે રાખે કે જેને ઇશ્વર ન દેખાય. આપનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પછી અન્યમાં તમારી ભાવના કરવાની જરૂર રહેતી નથી. ભાવના સદા વિયોગમાં હોય, સંયોગમાં નહિ. જ્યારે પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન ન થાય, ત્યારે મૂર્તિમાં ભગવાનની ભાવના કરવી પડે છે. તમારા દર્શન થયા પછી, હવે તમને છોડી, બીજા શામાં ભાવના કરીએ? અને નાથ, પતિ એટલે કોણ ? પાતિ ઈતિ પતિ: । મૃત્યુના ભયથી રક્ષણ કરે એ જ પતિ છે. મૃત્યુના ત્રાસથી છોડાવે એ જ પતિ છે. તે તો આપ પરમાત્મા જ છો. જીવમાત્રનાં સાચા પતિ ઈશ્વર, તે આપ છો. આપના વિના એવો બીજો કોઇ પણ નથી. તેથી સમજીને આપના ચરણનો આશ્રય કર્યો છે.