પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
વિદુરજી ગંગા કિનારે મૈત્રેયઋષિના આશ્રમમાં આવે છે. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. વિદુરજીએ ગંગાજીમાં સ્નાન
કર્યુ. ગંગા કિનારાના આ પથ્થર ભાગ્યશાળી છે. મૈત્રેયઋષિ જેવાના ચરણ આ પથ્થર ઉપર પડતા હશે. આ પથ્થરો ઉપર
વૈષ્ણવોના ચરણની રજ પડે છે. વિદુરજી વિચારે છે. હું જાતિહીન છું. મૈત્રેયઋષિ મને ઉપદેશ આપશે કે નહિ. ભલે હું જાતિહીન
છું, પણ કર્મહીન નથી. હું પાપી છું, અધમ છું, પણ પરમાત્માએ મને અપનાવ્યો છે, એટલે જરૂર મૈત્રેયઋષિ મને ઉપદેશ આપશે.
ભક્તિમાર્ગ એક જ કારણથી શ્રેષ્ઠ છે, કે જ્યાં સુધી પરમાત્માનું પ્રત્યક્ષ મિલન ન થાય, ત્યાં સુધી ભક્ત એમ જ માને છે કે
પરમાત્માનું મિલન થતું નથી, તેમાં એનો જ દોષ છે. ભક્તિમાં દૈન્ય આવે છે. જ્ઞાન માર્ગમાં યોગી બ્રહ્મરૂપ થવા લાગે છે અને
ત્યારે કેટલાકમાં અભિમાન આવતાં તેમનું પતન થાય છે. આશ્રમમાં આવી, વિદુરજી મૈત્રેયજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે.
વિદુરજીનો વિનય-વિવેક જોતાં સૌને આનંદ થયો.
મૈત્રેયઋષિ કહે છે:-વિદુરજી! હું તમને ઓળખું છું. તમે કાંઇ સાધારણ મનુષ્ય નથી. તમે યમરાજાના અવતાર છો.
માંડવ્યઋષિના શાપથી તમારો શૂદ્રના ઘરે, દાસી પુત્ર તરીકે જન્મ થયો છે.
એક વખત, કેટલાક ચોરોએ રાજાના ખજાનામાંથી ચોરી કરીને તેઓ નાસવા લાગ્યા. રાજાના સેવકોને ચોરીની જાણ
થઇ. ચોરોને પકડવા તેઓ ચોરોની પાછળ પડયા. રાજાના સૈનિકોને પાછળ આવતા જોઇ પકડાવાની બીકે, ચોરો ગભરાયા.
ચોરીના માલ સાથે નાસવું મુશ્કેલ બન્યું. રસ્તામાં માંડવ્યઋષિનો આશ્રમ આવ્યો. ચોરોએ તેમની પાસે જે સઘળું ઝવેરાત હતું તે
માંડવ્યઋષિના આશ્રમમાં ફેંકી દીધુ અને તેઓ નાસી ગયા. પાછળથી રાજાના સૈનિકો આશ્રમમાં આવી પહોંચ્યા. આશ્રમમાં
રાજાના ખજાનાનું સઘળું ઝવેરાત જોઇ તેઓએ માન્યું કે આ ચોરી માંડવ્યઋષિએ કરેલી છે. તેઓએ માંડવ્યઋષિને પકડ્યા.
સઘળા ઝવેરાત સાથે, રાજા સમક્ષ માંડવ્યઋષિને ઉભા કરવામાં આવ્યા. રાજાએ તેમને શૂળી ઉપર ચઢાવવાની આજ્ઞા કરી.
માંડવ્યઋષિને શૂળી ઉપર ચઢાવવામાં આવ્યા. માંડવ્યઋષિ શૂળી ઉપર ગાયત્રી મંત્રનો જપ કરે છે. માંડવ્ચઋષિ મરતા નથી.
ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજાને લાગ્યું, આ કોઈ તપસ્વી મહાત્મા લાગે છે. રાજા ગભરાયો. ઋષિને શૂળી ઉપરથી નીચે ઉતરાવ્યા.
સઘળી હકીક્ત જાણી, રાજાને દુ:ખ થયું. મેં નિરાપરાધી ઋષિને શૂળી ઉપર ચઢાવ્યા. રાજા માંડવ્યઋષિની માફી માગે છે, મને
માફ કરો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૧
માંડવ્યઋષિ કહે છે:-રાજન્! તને ક્ષમા આપીશ, પણ હું યમરાજાને પૂછવા જાઉં છું કે, મને શા માટે આવી સજા
કરાવી? મેં કોઇ પાપ કર્યું નથી. મને શા માટે આવી સજા? હું યમરાજાને માફ નહિ કરું.
જેણે પાપ કર્યાં હોય છે, તેને બીક લાગે છે. પાપીને યમરાજા ક્રૂર દેખાય છે. મને નિષ્પાપને શા માટે સજા? હું યમરાજાને
આજે સજા કરીશ. પોતાના ચારિત્ર્ય ઉપર કેવો દૃઢ વિશ્વાસ? ભરતખંડનો પવિત્ર બ્રાહ્મણ આજ ન્યાયધીશનો જવાબ માગવા
જાય છે.
માંડવ્યઋષિ હવે યમરાજાને પૂછવા જાય છે. ઋષિ યમરાજાના દરબારમાં આવ્યા. યમરાજાને પૂછે છે, મેં બિલકુલ પાપ
કર્યું નથી. તો મને શા માટે શૂળીએ ચઢાવ્યો? શૂળી ઉપર ચઢાવવાની સજા મને મારા કયાં પાપ માટે કરવામાં આવી?
યમરાજા ગભરાય છે. યમરાજાએ વિચાર્યું, ભૂલ થઈ ગઇ, એમ કહીશ તો શાપ આપશે. કહ્યું:-તમે ત્રણ વર્ષના હતા
ત્યારે એક પતંગિયાને કાંટો ભોંકેલો તે બદલ, તમને આ સજા કરવામાં આવી છે.
પાપ જાણીને કરો કે અજાણતાં. પાપની સજા જરૂર ભોગવવી પડે છે. ભગવાન પાપ લેતા નથી. પુણ્ય ભોગવવાની
ઇચ્છા ન કરો તો ચાલે. પણ પાપ તો ભોગવવું જ પડશે. પુણ્ય શ્રીકૃષ્ણાર્પણ થઈ શકે છે. પાપ શ્રીકૃષ્ણાર્પણ થઇ શક્તું નથી.
પાપ તો ભોગવ્યે જ છૂટકો. ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી.
લોકો સાંજે દુકાનેથી ઘરે જતી વખતે મંદિરમાં જાય છે, ભગવાનને હાથ જોડી કહે છે:-આખા દિવસમાં જૂઠું બોલ્યો
હોઉં, લોકોને છેતર્યાં હોય, જે કાળાં ધોળાં કર્યાં હોય, તે બધું નાથ! હું તમને અર્પણ કરું છું.
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધયાડડત્મના વા પ્રકૃતે: સ્વભાવાત્ ।
કરોમિ યદ્ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ ।।
કાયા, વાચા, મનથી નો અર્થ છે કે કાયા, વાચા, મનથી જે પુણ્ય કર્યું હોય તે પ્રભુને અર્પણ કરવાનું છે. પુણ્ય સમર્પણ
થઇ શકે. પાપ સમર્પણ થઈ શકે નહિ. ભગવાન પાપ લેતા નથી. સામાન્ય સરકાર પણ બક્ષિસ પરત લે છે. કોઈને સજા કરવામાં
આવેલી હોય, તે સજા સરકાર પરત લેતી નથી. ભગવાન કહે છે. કેવો મૂર્ખ છે? મને પાપ અર્પણ કરવા આવ્યો. પરમાત્માને હંમેશા
પુણ્ય અર્પણ કરજો. પાપ હું ભોગવીશ અને ઠાકોરજીને પુણ્ય અર્પણ કરીશ.