પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
કર્મમાર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કર્મમાર્ગમાં કશ્યપ-દિતિને કામે વિઘ્ન કર્યું. કામથી કર્મનો નાશ થાય છે.
ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. લોભથી ભક્તિનો નાશ થાય છે. જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે.
સનત્ કુમારોને ક્રોધે વિઘ્ન કર્યું. જ્ઞાનમાર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે.
દેહદૃષ્ટિમાંથી કામ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીઓનાં કાર્યમાં કામ વિઘ્ન કરતો નથી. પણ ક્રોધ વિઘ્ન કરે છે.
આ ત્રણથી પુણ્યનો નાશ થાય છે. વિવેકથી નાશ થાય છે, પણ ક્રોધનો નાશ મુશ્કેલ છે.
એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે કામીને, લોભીને તત્કાળ થોડો લાભ થાય છે, પણ ક્રોધ કરનારને
તો કાંઈ લાભ થતો નથી, ઉલટું, તેના પુણ્યનો ક્ષય થાય છે.
કામેન કર્મનાશસ્યાત્ ક્રોધેન જ્ઞાનનાશનમ્ ।
લોભેન ભક્તિનાશસ્યાત્ તસ્માત્ એતદ્ ત્રયં ત્યજેત્ ।।
તેથી તો કામ, ક્રોધ, લોભને ગીતાજીમાં નર્કનાં દ્વારો કહ્યાં છે.
ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મન: ।
કામ: ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ।।
ભક્તિમાર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભગવાનને માટે, અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુઓનો ઉંપયોગ કરે છે.
બાબાનો શુટ બનાવવો હોય તો સત્તર રૂપિયે વાર કાપડ અને ઠાકોરજીના વાઘા સીવડાવવા હોય તો ચાર આને ગજનું કાપડ શોધે
છે, અને લાવે છે. એક ભાઈ બજારમાં ઠાકોરજી માટે ફૂલ લેવા ગયા. માળી કહે કે આજે ગુલાબના એક ફૂલના ચાર આના છે. તો
કહેશે કરેણના ફૂલ આપ. મારા ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે. કરેણના ચાલશે. પણ ઘરવાળીએ કહ્યું હોય કે આજે મારા માટે
સારી વેણી લાવજો, તો ગમે તેટલા રૂપિયા ખર્ચીને સારી વેણી લઈ આવે છે.
સત્યનારાયણની કથામાં બેસવાનું હોય, તો ભાઈ રૂપિયા બસોનું પીતાંબર પહેરીને બેસે છે. અને જ્યારે ઠાકોરજીને વસ્ત્ર
પરિધાન કરાવવાનો પ્રસંગ આવે, ત્યારે કહેશે પેલું નાડું લાવેલા તે કયાં ગયું? નાડું લાવજો, ભગવાન કહે છે બેટા, હમ સબ
સમજતે હૈ. હું પણ તને એક દિવસ લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરવાના કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે. આવું ન
કરો. ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરો. ૨૫૨ વૈષ્ણવોની વાર્તાઓમાં જમનાદાસ ભકતનું એક દ્રષ્ટાંત આવે છે.
જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજીને માટે બજારમાં ફૂલ લેવા નિકળ્યા. ફૂલવાળાની દુકાને-એક સારું કમળ જોયું.
જમનાદાસજીએ વિચાર્યું, આજ તો મારા ઠાકોરજીને માટે હું આ સુંદર કમળ લઇ જઇશ. તે જ વખતે તે દુકાને એક રાજા આવી
પહોંચ્યો છે. રાજાને પોતાની રખાત વેશ્યા માટે ફૂલ જોઈતું હતું. જમનાદાસ ભક્ત માળીને કમળના ફૂલની કિંમત પૂછે છે. માળી
પાંચ રૂપિયા કિંમત જણાવે છે. તે વખતે રાજા વચમાં કૂદી પડે છે, એ ફૂલના હું દસ રૂપિયા આપવા તૈયાર છું. એ ફૂલ તું મને જ
વેચાતુ આપજે. જમનાદાસ ભક્ત માળીને જણાવે છે. "હું તે ફૂલના પચીસ રૂપિયા આપવા તૈયાર છું. ફૂલ મને જ આપજે."
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૬
પછી બંને વચ્ચે ફૂલ લેવા હરીફાઇ ચાલે છે.
રાજા તે કૂલની કિંમત રૂપિયા દશ હજાર બોલે છે. જમનાદાસ ભક્ત કહે છે, મારા એક લાખ. હું તે ફૂલના એક લાખ
રુપિયા આપવા તૈયાર છું. રાજાને વેશ્યા તરફ સાચો પ્રેમ ન હતો, તે મોહ હતો. રાજા વિચારે છે, એક લાખ રૂપિયા હશે તો, બીજી
સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસજી ભક્તને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા. તેનો સાચો શુદ્ધ પ્રેમ હતો. જમનાદાસજી પોતાની સર્વ
મિલકત વેચીને-એક લાખ રૂપિયા કિંમત આપી ફૂલ ખરીદી લાવે છે અને શ્રીનાથજીની સેવામાં અર્પણ કરે છે. શ્રીનાથજીના માથા
ઉપરથી મુગટ આજે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી સહન થતું નથી.
સનત્ કુમારોને ક્રોધ આવ્યો, એટલે પતન થયું. પ્રભુના દ્વારે ગયેલા પાછા આવ્યા.
મન, બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહિ. તે વારંવાર દગો આપે છે. પોતાને નિર્દોષ માનવો, એના જેવો બીજો કોઇ દોષ
નથી.
કામ, ક્રોધ આ વિકારો અંદર છે, બહારથી આવતા નથી. સનત્ કુમારોમાં ક્રોધ બહારથી આવ્યો નથી. આ વિકારોને તક
મળતાં બહાર આવે છે. તેથી મન ઉપર સત્સંગનો, ભક્તિનો અંકુશ રાખો. સતત ઈશ્વર ચિંતન કરો, તો અંદરના વિકારો શાંત
થાય.