પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
યજ્ઞાવતાર વગર મન શુદ્ધિ નહિ અને મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાનાવતાર થતો નથી. કપિલ દેવ
આવતા નથી. સત્ય બોલવું એ પણ યજ્ઞ છે. યજ્ઞ થશે તો કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે.
કર્મ ચિત્ત શુદ્ધિ માટે છે. ભક્તિ મનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેની જરૂર છે. કર્મથી
ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મજીજ્ઞાસા જાગે છે. શ્રી શંકરાચાર્યે કહ્યું છે, લોકો ચામડીની મીમાંસા ખૂબ કરે છે, પરંતુ આત્માની
મીમાંસા કોઈ કરતા નથી.
હિરણ્યાક્ષને ઈચ્છા થઈ, સ્વર્ગમાંથી સંપત્તિ લઈ આવું. દિવસે દિવસે તેનો લોભ વધે છે. એક વખત હિરણ્યાક્ષ
પાતાળમાં ગયો. વરુણ સાથે લડવા તૈયારી કરી.
વરુણે કહ્યું:-તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર.
હિરણ્યાક્ષ વરાહ ભગવાન પાસે આવ્યો. તે વરાહ ભગવાનને કહે છે-જહાસ ચાહો વન ગોચરા મૃગ: આ ડુક્કર જેવો છે.
વરાહ નારાયણ હિરણ્યાક્ષને કહે છે:-તું કૂતરા જેવો છે.
બોલાચાલીમાંથી મારામારી થાય છે, સર્વ પાપનું મૂળ વાણી છે. વાણીદોષ થાય છે એટલે વીર્ય દૂષિત થાય છે. ઉચ્ચાર
વગર પાપ થતું નથી. પાપ પહેલાં મનથી ઉચ્ચારાય તો થાય છે.
મુષ્ટિપ્રહાર કરી, વરાહ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને આપ્યું. કહ્યું, ધર્મથી
પૃથ્વીનું પાલન કરો. વરાહ ભગવાન બદ્રિનારાયણના સ્વરૂપમાં લીન થયા. સમાજને સુખી કરવો, તે મનુષ્ય માત્રનો ધર્મ છે. આ
આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણથી મનુષ્યોને શીખવ્યો છે.
લોભને મારવા વરાહ નારાયણનાં ચરણોનો આશ્રય કરજો, વરાહનાં ચરણ એ સંતોષનું સ્વરૂપ છે.
મનુષ્યના જીવનમાં લોભ હોય ત્યાં સુધી પાપ કરે છે. પાપ હોય ત્યાં સુધી શાંતિ નથી. જેનું જીવન નિષ્પાપ હોય તેને જ
શાંતિ મળે છે.
બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થોપાજન કરવા માટે ન કરો. તેનો ઉપયોગ ઈશ્ર્વરોપાસના માટે કરો. નહિતર પેલા ઝવેરીઓ
જેવી દશા થશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૮
એક વખત એક રાજાના દરબારમાં એક ઝવેરી આવ્યો, તેની પાસે એક હીરો હતો. આ હીરાની કિમત કરવા માટે તમામ
ઝવેરીઓને ભેગા કરવામાં આવ્યા. દરેકે એ હીરાની કિંમત જુદી જુદી આંકી. સાચી કિંમત કોઈ કરી શક્યું નહિ. રાજા નિરાશ થયો.
તેવામાં એક વૃદ્ધ ઝવેરી આવ્યો અને હીરાની કિંમત નવ્વાણુ લાખ રુપિયા બતાવી. રાજાએ પૂછ્યું, એક કરોડમાં એક લાખ ઓછા
શા માટે? વૃદ્ધ ઝવેરીએ બીજા સો હીરા મંગાવ્યા. તેને પેલા હીરા આજુબાજુ ગોઠવી દીધા. તે હીરાની ચમક નવ્વાણું હીરા ઉંપર
પડી પણ એક હીરા ઉપર ન પડી. વૃદ્ધ ઝવેરીએ કહ્યું આટલા માટે એક લાખ કિંમત ઓછી આંકેલી.
રાજા કહે છે કેવો બુદ્ધિશાળી ઝવેરી છે. મંત્રીજી, ઝવેરીને ઈનામ આપો. ત્યાં એક મહાત્મા બેઠા હતા. તેમણે ઉભા થઈ
કહ્યું:-એ ઝવેરીના માથા ઉપર રાખ નાંખો. મહાત્માને કારણ પૂછવામાં આવ્યું.
મહાત્માએ કહ્યું:-ઝવેરીએ બુદ્ધિનો ઉપયોગ કેવળ પથ્થરોના વિચાર કરવામાં કર્યોં છે. ઈશ્વરનું ભજન કરવા માટે કર્યો
નથી. જે બુદ્ધિનો ઉપયોગ તેણે પથ્થરને જાણવા માટે કર્યો તે બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરને ઓળખવા માટે કર્યો હોત તો, તેનો ઉદ્ધાર
થઈ જાત. તેને તમે ડાહ્યો માનો છો. હું તેને મુર્ખ માનુ છું.
હિરણ્યાક્ષ મરે તો, પાપ મરે અને તો જ બ્રહ્મવિદ્યા બુદ્ધિમાં ટકે. બ્રહ્મજ્ઞાન ત્યારે બુદ્ધિમાં ટકે કે જયારે બુદ્ધિ નિષ્કામ
બને.
મનુષ્યના શરીરમાં નવ છિદ્રો છે, તે છિદ્રોના માર્ગે જ્ઞાન બહાર નીકળી જાય છે. ઇન્દ્રિયોમાંથી જ્ઞાન બહાર નીકળી ન
જાય, તે માટે ઈન્દ્રિયોને ઈશ્વરને માર્ગે વાળો. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને પ્રભુમાર્ગમાં વાળો.
તૃતીય સ્કંધમાં બે પ્રકરણો છે:-પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા
કહી.
ઉત્તર મીમાંસામાં કપિલ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું છે.
યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી.
કાયા, વાણી, મનથી કોઈને દુભાવવું નહીં તે યજ્ઞ છે, સત્ય બોલવું તે પણ યજ્ઞ છે. વિનાકારણે હૈયું બાળે તે
આત્માઘાત કરે છે. સદાસર્વદા પ્રસન્ન રહેવું એ પણ યજ્ઞ છે.
યજ્ઞ વિના, સત્કર્મ વિના, ચિત્તશુદ્ધિ થતી નથી. અને ચિત્તશુદ્ધિ વગર જ્ઞાન ટકતું નથી. સત્કર્મથી એક એક ઇન્દ્રિયની
શુદ્ધિ થશે. જેનું મન મેલું છે એને પરમાત્માનો અનુભવ થતો નથી.
માનવ શરીર એ ઘડો છે, આ ઘડાને નવ છિદ્રો છે. ઘડામાં છિદ્રો હોય તો ઘડો ભરાય નહિ એક, એક છિદ્રમાંથી જ્ઞાન
વહી જાય છે, જ્ઞાની થવું એ અઘરું નથી. જ્ઞાન આવે છે પણ તે ટકતું નથી. અનેકવાર વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય
છે. આત્મા જ્ઞાનમય હોવાથી કોઈ અજ્ઞાની નથી. પણ સતત જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયમાંથી વહી જતી બુદ્ધિશક્તિને અટકાવવાની
છે. જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવે છે ત્યારે વૈષ્ણવો, ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળે છે. જ્ઞાન ટકતું નથી, તેનું એક
કારણ છે. મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે. જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે. મસ્તકમાં રહ્યું નથી. પુસ્તકોની પાછળ પડે, એ
વિદ્વાન અને પ્રભુ પ્રેમમાં પરમાત્માની પાછળ જે પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે, ત્યારે શાસ્ત્ર સંત પાછળ દોડે છે.
શાસ્ત્રો વાંચીને જે બોલે તે વિદ્વાન. પ્રભુને રીઝાવીને પ્રભુ પ્રેમમાં પાગલ થઈ જે બોલે તે સંત.