પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભાગવત માખણ છે. બીજાં શાસ્ત્રો દૂધ, દહીં જેવાં છે, સર્વ શાસ્ત્રોમાં સારરૂપ આ કૃષ્ણ કથા છે.
શૌનકજી કહે છે:-જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભકિત વધે એવી સારભૂત કથા સંભળાવો.
જ્ઞાન અને ભક્તિવાળું એવું સાર તત્વ સંભળાવો કે જેથી અમે ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરીએ.
જ્ઞાન-વૈરાગ્ય સાથે ભક્તિને વધારવા આ કથા છે. કથા રડવા માટે છે. મહાન ભક્તોનાં, મહાન પુરુષોનાં ચરિત્રો
સાંભળી આપણને ભાન થાય કે, હાય! હાય! મેં મારા આત્માના ઉદ્ધાર અર્થે કાંઈ કર્યું નહિ. કથા સાંભળ્યા પછી કરેલાં પાપનો
પશ્ચાતાપ થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો કથા સાંભળી સાચી. સંસારના વિષયો પ્રત્યે જો વૈરાગ્ય ન આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ ન
જાગે તો, તેવી કથા કથા જ નથી. બ્રહ્માએ નારદજીને આજ્ઞા કરી છે, બેટા કથા કર પણ એવી કથા કર કે મારા પ્રભુપ્રત્યે લોકોની
પ્રેમમયી ભક્તિ જાગે. કથા મનુષ્યના જીવનને સુધારે છે. જીવનનું પરિવર્તન કરે છે. કથા મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરે છે. કથા
સાંભળ્યા પછી જીવનમાં ફેરફાર ન થાય તો માનજો કે કથા સાંભળી નથી. શૌનક મુનિએ તેથી પ્રાર્થના કરી છે. અમારું જ્ઞાન વધે.
વૈરાગ્ય વધે. ભક્તિ વધે એવી કથા કહો. એકલી ભક્તિ વધે તેમ કહ્યું નથી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે વધે.
શીરામાં લૌકિક દ્રષ્ટિએ ઘઉંની કિંમત ઓછી છે. છતાં લોટ વિના શીરો થતો નથી. તત્ત્વદ્રષ્ટિથી વિચાર કરો તો તેની
કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં, ગોળ અને ઘીની સરખી જરૂર છે. તેવી રીતે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ સમાન છે.
જીવનમાં એ ત્રણેની જરૂર છે. સોળઆની જ્ઞાન અને સોળઆની વૈરાગ્ય આવે, ત્યારે જીવનો જીવભાવ જાય છે. જેનામાં જ્ઞાન,
ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે. અનેક ઋષિમુનિઓ ત્યાં ગંગા કિનારે બેઠા હતા પણ કોઇ કથા કરવા તૈયાર
ન થયા, ત્યારે ભગવાને શુકદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી. શુકદેવજીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતાં.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦
ભાગવતશાસ્ત્ર એ પ્રેમશાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય, તે ઉત્તમ પ્રેમનું લક્ષણ છે.
પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂ૫ બતાવે છે.
જ્ઞાનમાર્ગમાં પ્રાપ્તિની પ્રાપ્તિ છે. જ્ઞાનમાર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભક્તિ દ્વારા
ભેદનો વિનાશ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભેદનો વિનાશ છે. જ્ઞાનમાર્ગમાં ભેદનો નિષેધ છે. જ્ઞાનમાર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ
કરવામાં આવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે. સૂતજી બોલ્યા:-આપ સૌ જ્ઞાની છો, પણ લોકો ઉપર ઉપકાર કરવા માટે આપ પ્રશ્ન
પૂછો છો, તો સાવધાન થઈ કથા સાંભળો. પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થાય છે, ત્યારે આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે.
કળિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા, શુકદેવજીએ ભાગવતની કથા કહી છે. જયારે શુકદેવજી
પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા, ત્યારે સ્વર્ગનું અમૃત લઇ દેવો ત્યાં આવેલા. દેવોએ કહ્યું કે સ્વર્ગનું અમૃત અમે રાજાને
આપીએ અને કથાનું અમૃત આપ અમને આપો. શુકદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું
છે? પરીક્ષિતજીએ પૂછયું, આ સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ? શુંકદેવજી કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી સ્વર્ગનું સુખ મળે છે,
પરંતુ સ્વર્ગનું સુખ દુ:ખમિશ્રિત છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પરંતુ પાપનો ક્ષય થતો નથી. કથામૃતના
પાનથી પાપનો નાશ થશે. કથામૃતથી ભોગવાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથામૃત શ્રેષ્ઠ છે.
સનતકુમારો બ્રહ્મલોકમાં બિરાજતા હતા. એક વાર તેઓ ભારતમાં આ કથાનંદ લેવા આવ્યા. તેથી લાગે છે કે બ્રહ્મલોકમાં પણ આ કથા જેવો આનંદ નથી.
રાજાએ કહ્યું, ભગવન્! મારે સ્વર્ગનું અમૃત પીવું નથી. મારે કથામૃતનું જ પાન કરવું છે.