પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
એક ઘરમાં રહેવા છતાં કર્દમ-દેવહૂતિ બાર વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાચસ્પતિ ભામતિ, ૩૬ વર્ષ
સુધી સંયમ પાળે છે. ત્યારે આજનો માનવી છત્રીસ કલાક પણ સંયમ રાખી શક્તો નથી.
કર્દમ એ જીવાત્મા છે. દેવહૂતિ એ બુદ્ધિ છે. દેવહૂતિ એ દેવને બોલાવનારી નિષ્કામ બુદ્ધિ.
એક દિવસ કર્દમઋષિનું હ્રદય ભરાયું. દેવહૂતિનું શરીર બહુ દુર્બળ થયું છે.
તુષ્ટોડહમદ્ય તવ માનવિ માનદાયા: શુશ્રૂષયા પરમયા પરયા ચ ભકત્યા ।
યો દેહિનામયમતીવ સુહ્રત્સ્વદેહો નાવેક્ષિત: સમુચિત: ક્ષપિતું મદર્થે ।।
મારી સેવા કરતાં શરીર સૂકવી નાખ્યું છે. દેવહૂતિને કહ્યું. કાંઇ વરદાન માગ. દેવી, તમે માગો, તમે માંગશો, તે આપવા
તૈયાર છું.
દેવહૂતિ કહે છે:-તમારા જેવા જ્ઞાની પતિ મળ્યા તે જ વરદાન. હું પૂજા કરી એટલું જ માગુ છું કે મારું સૌભાગ્ય અખંડ
રહે.
પેટ પહેલું કે, જેણે પેટ આપ્યું છે તે પરમાત્મા પહેલા? સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસી અને પાર્વતીની પૂજા કરે.
આજકાલ બહેનો તુલસીની પૂજા તો કરે છે પણ પેટમાં ચા-નાસ્તો નાખ્યા પછી.
કર્દમ:-ના, ના આજ કાંઈકે માગ. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિએ કહ્યું આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી કે એક
બાળક થાય પછી સંન્યાસ લઈશ. ઇચ્છા હોય તો બાળકનું દાન કરો.
મનુષ્ય શરીરની રચના એવી છે કે, તે મર્યાદિત જ ભોગ ભોગવી શકે. મનુષ્ય અમર્યાદિત ભોગ ભોગવવા જાય તો રોગી
બને છે. માટે હું તને દિવ્ય શરીર અર્પણ કરીશ.
દેવહૂતિ સરસ્વતીના કિનારે સ્નાન કરવા ગયાં છે. સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળી છે. દેવહૂતિએ સ્નાન કર્યું.
કાયા બદલે છે.
સંકલ્પથી કર્દમઋષિએ વિમાન બનાવ્યું. દેવહૂતિ-કર્દમ વિમાનમાં બેઠાં. કથામાં શાંત અને કરુણરસ પ્રધાન છે.
શ્રૃંગારરસનું વર્ણન કરવાની મહાત્માઓએ આજ્ઞા આપી નથી.
શ્રોતાઓને સંસારના વિષયો પ્રત્યે અરુચિ થાય અને ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગે, એ લક્ષમાં રાખી વક્તા કથા કરે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૨
કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે રૂચિ ન થાય, તો કથા સાંભળી નથી તેમ માનજો.
કથા સાંભળ્યા પછી વૈરાગ્ય આવે છે. ભાગવતના બીજા સ્કંધમાં કથા કેમ કરવી, તે બ્રહ્માજીએ નારદને બતાવ્યું છે.
આ સો વર્ષમાં કર્દમ-દેવહૂતિને ત્યાં એક પણ પુત્ર થયો નહિ. નવ કન્યાઓ થઈ. નવ કન્યાઓના બાપ થાય તેને ત્યાં
કપિલ આવે છે. જેને ઘરે નવ છોકરીઓ થાય તેને જ્ઞાન મળે. નવ કન્યાઓ એટલે નવધાભક્તિ છે. નવધાભક્તિ વગર જ્ઞાન ન
મળે. સામાન્ય અર્થ કરીએ તો નવ કન્યાઓના પિતાને, એક એકને પરણાવતાં, અક્કલ ઠેકાણે આવે છે કે મેં આ શું કર્યું?
નવધાભક્તિ ન આવે, ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન આવે.
નવધાભક્તિ:-(૧)શ્રવણ, (૨)કીર્તન, (૩) સ્મરણ, (૪)પાદસેવન, (૫)અર્ચન, (૬)વંદન, (૭)દાસ્ય,
(૮)સખ્ય અને (૯)આત્મનિવેદન.
નવધાભકિત સિદ્ધ થયા પછી કપિલ ભગવાન આવે છે. ભક્તિ જ જ્ઞાનરૂપે પરિણમે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ
જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાનની પૂર્વાવસ્થા, એ જ ભક્તિ છે. ભક્તિ પછી જ્ઞાન આવે છે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. નવધાભક્તિ
જેની સિદ્ધ ન થાય તેને જ્ઞાન મળતું નથી. ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે. તત્ત્વદૃષ્ટિએ છેવટે:-જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી,
ભક્તિમાં પહેલાં દાસો હમ અને પછી સોહમ્ થાય છે.
નવ કન્યાઓના જન્મ પછી, કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. એક દિવસ કર્દમને થયું આ વિલાસી જીવનનો અંત આવે
તો સારુ. સત્તવપ્રધાના બ્રાહ્મણા વૈશ્ય વિલાસી જીવન ગાળે તો ચાલે, પણ બ્રાહ્મણને એ શોભે નહિ. એકાંતમાં બેસી હું તપ કરું.
દેવહુતિએ કહ્યું કે હું પણ ત્યાગ કરવા તૈયાર છું. લગ્ન એટલે તન બે, પણ મન એક.
દેવહૂતિ:-નાથ, આપે વચન આપેલું છે કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ, તો હજુ પુત્રનો જન્મ થયો નથી.
વળી આ નવ કન્યાઓ અને મારી દેખરેખ, સંભાળ કોણ રાખશે?
આ પલટણ ઊભી કરી છે તેને ઠેકાણે પાડજો અને પછી સન્યાસ લેજો.
શુકદેવજી વર્ણન કરે છે:-કર્દમ-દેવહૂતિએ વિકારનો ત્યાગ કર્યો. અનેક વર્ષો સુધી પરમાત્માનું આરાધન કર્યું. તે પછી
દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત્ નારાયણ પધાર્યા. નવ માસ પરિપૂર્ણ થયા છે. યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે,
બ્રહ્માદિ દેવો કર્દમઋષિના આશ્રમમાં આવ્યા છે. બ્રહ્માજીએ કર્દમને કહ્યું, તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો છે. તમે જગતપિતાના
પણ પિતા બન્યા છો. તે દિવ્યજ્ઞાનનો ઉપદેશ જગતને કરશે.
જીવ ભગવાનને માટે આતુર થાય છે, ત્યારે ભગવાનનો અવતાર થાય છે. આતુરતાથી ભગવાનનાં દર્શન થાય છે. કર્દમ
અને દેવહૂતિની તપશ્ચર્યા અને આતુરતાથી ભગવાન તેમને ત્યાં પુત્રરૂપે અવતર્યા. યોગીઓ, યોગથી બ્રહ્મનાં દર્શન કરી શકે છે,
પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્રરૂપે પ્રાપ્ત કરી શકે છે. અને ભગવાનને રમાડી શકે છે.