પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ઇન્દ્રિય રોજ નવા નવા વિષયો માંગે છે, બીજા રસસુખ તરફ ખેંચે છે. આંખ રૂપના સુખ તરફ ખેંચે છે. ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે, કેટલાક લોકો યાદ રાખે છે કે બે મહિનાથી ઢોકળાં ખાધાં નથી. અરે તમે બે માસથી ઢોકળાં ખાધાં નથી, તે યાદ રાખો છો. પણ આજ સુધીમાં કેટલી વાર ખાધાં તે યાદ રાખતા નથી. ઢોકળાં ખવડાવી જીભને રાજી કરીએ, તો આંખો ત્રાસ આપે છે. બે માસથી ફિલ્મ જોઈ નથી. આમ વિચાર કરીએ છીએ, ત્યાં પત્ની કહે છે-પડોશીઓ તો મહિનામાં બે ચાર વાર જોવા જાય છે. આ નવું ચિત્ર તેઓ કયારના જોઈ આવ્યા. આપણે કયારે જઈશું? પૈસા ખર્ચીને અંધારામાં બેસે એ સુધર્યા કહેવાય કે બગડયા? કેટલાક કહે છે, અમે તો ધાર્મિક ફિલ્મ જોઇએ છીએ. ધાર્મિક ચિત્રો પણ ન જોવાય. કારણ કે રામનો પાઠ ભજવનાર કયાં રામ જેવો હોય છે? રામનો પાઠ ભજવનાર પરસ્ત્રીને કામ ભાવથી જોતા હોય તો તેની ફિલ્મમાં શું જોવું? રામ જેવો કોઇ રામનો પાઠ ભજવે તો અસર થાય. તમે કહેશો કે હું કડવું બોલું છું પણ હું જે જોઉં છું તે કહું છું. વિલાસનાં ચિત્રો જોવાથી જીવન બહુ બગડે છે.
શ્રી શંકરસ્વામીએ એક જગ્યાએ આ ઇન્દ્રિયોને ચોર કહી છે. ઈન્દ્રિયો ચોર કરતાં પણ બૂરી છે. ચોર જેના આધારે હોય તેને ત્યાં તે ચોરી કરતો નથી. ચોર જેના ઘરમાં રહેતો હોય તેને ત્યાં ચોરી કરતો નથી. ત્યારે ઈન્દ્રિયો તો પોતાના પતિ, આત્માને જ છેતરે છે. તેને ત્યાંથી ચોરી કરે છે. આ ચોરરૂપી ઇન્દ્રિયોથી હવે મને કંટાળો આવ્યો છે.
જગતમાં સાચું સુખ, સાચો આનંદ કયાં છે તે મને બતાવો. અને તે આનંદ મેળવવાનું સાધન શું છે તે બતાવો.
કપિલ ભગવાનને આનંદ થયો, બોલ્યા:-મા! આનંદ જડ વસ્તુમાં રહી શકતો નથી. આનંદ તો આત્માનું સ્વરૂપ છે. અજ્ઞાનથી જીવ જડ વસ્તુમાં આનંદ શોધે છે. આનંદ જડ વસ્તુમાં રહી શકે નહિ. સંસારના વિષયો સુખ આપે છે. પણ આનંદ આપતા નથી. જે સુખ આપે છે તે તમને દુઃખ પણ આપશે, પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે.
સંસારનું સુખ દરાજને ખંજવાળવા જેવું છે. દરાજને જેટલો વખત ખંજવાળો તેટલો વખત રાહત જેવી લાગે છે. પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે. ઉત્તમમાં ઉત્તમ મીઠાઈ ગળા સુધી ખાઈ હોય ત્યાં સુધી સ્વાદવાળી લાગે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૪
જગતના પદાર્થોમાં આનંદ નથી, આનંદનો ભાસ માત્ર છે. આ જગત દુ:ખરૂપ છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે:-
અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ।।
ક્ષણભંગુર, સુખરહિત આ જગતને અથવા મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને તું મારું જ ભજન કર. જડ વસ્તુમાં આરંભમાં સુખ જેવું લાગે પણ અંતે તો તે સુખ વિષ જેવું છે.
વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રેડમૃતોપમમ્ ।
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ।।
જે સુખ વિષયો અને ઈન્દ્રિયોના સંયોગથી થાય છે, તે આરંભમાં (ભોગકાળમા) અમૃત જેવુ લાગે છે. પણ પરિણામમાં તે વિષ સમાન છે, એટલે આ સુખને રાજસ કહેવામાં આવ્યું છે.
ઇન્દ્રિયોને સુખની તૃપ્તિ થતી નથી. ઇન્દ્રિયો વિવેકરૂપી ધનનું હરણ કર્યા પછી જીવને સંસારરૂપી ખાડામાં નાખે છે. બહારના વિષયોમાં આનંદ નથી, સુખ નથી. આનંદ બહાર નથી. અંદર જ છે. આત્મામાં છે. આનંદ એ અવિનાશી અંતર્યામીનું સ્વરૂપ છે.
મા! જે શરીરમાં આનંદ હોય તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી લોકો તેને સાચવી રાખે.
વિષયો જડ છે. જડ પદાર્થમાં આનંદ હોઇ શકે જ નહિ. જડ પદાર્થમાં આનંદ ચૈતન્યના સ્પર્શથી લાગે છે.
બે શરીરના સ્પર્શથી સુખ મળતું નથી. પણ બે પ્રાણ એક થાય છે, એટલે આનંદ જેવું લાગે છે. બે પ્રાણ ભેગા મળે તો સુખ થાય છે, ત્યારે અનેક પ્રાણો જેમાં મળ્યા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય.
મા! બહારના વિષયોમાં આનંદ નથી, પરંતુ ચિત્તમાં, મનમાં, આત્માનું પ્રતિબિંબ પડે છે તેથી આનંદ જેવું લાગે છે. ઇન્દ્રિયોને મનગમતા પદાર્થ મળે એટલે, ઇન્દ્રિયો વિષયોમાં તદ્રૂપ થાય છે, અને મન થોડીવાર એકાગ્ર થાય છે. ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, તેથી આનંદનો ભાસ થાય છે. મનથી એકાગ્રતામાં આત્માનું પ્રતિબિંબ પડવાથી આનંદ ભાસે છે. જગતના વિષયોમાં, જ્યાં સુધી મન ફસાયું છે, ત્યાં સુધી આનંદ નથી. આનંદ એ આત્માનું સહજ સ્વરૂપ છે. શીતળતા એ જળનું સહજ સ્વરૂપ છે, તેમ આનંદ આત્મામાં જ છે. આત્મા પરમાત્માનું મિલન એ પરમાનંદ. ભગવાનમાં મન પરોવાય તો જ આનંદ મળે છે.
વારંવાર તું તારા મનને સમજાવ કે સંસારના જડ પદાર્થમાં સુખ નથી. સૂએ છે ત્યારે બધું ભૂલી જાય તે પછી, તેને આનંદ આવે છે. સર્વ સંસાર ભુલાય ત્યારે, ઊંઘ આવે છે.
મા! આત્મા તો નિત્ય શુદ્ધ છે, આનંદરૂપ છે. સુખદુ:ખ એ મનના ધર્મો છે. મન નિર્વિષય થયું એટલે આનંદ મળે છે. દૃશ્યમાંથી દ્રષ્ટિને હટાવી, દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરે તો આનંદ મળે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે.