પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આદત અને હાજત ઓછી કરશો તો સુખી થશો.
મા! જો વિષયોમાં આનંદ હોય તો તે, સર્વને સર્વકાળે એક સરખો આનંદ આપે. તૃપ્ત થયેલા માણસ પાસે શિખંડ મૂકો તો
તેને તે નહીં ભાવે, માંદા માણસ પાસે માલપૂડા મૂકો તો તેને નહીં ભાવે. એટલે આનંદ શિખંડ, માલપૂડામાં એટલે કે વિષયોમાં
નથી. જડ પદાર્થમાં નથી. શિખંડમાં આનંદ હોય તો જેને તાવ આવ્યો હોય તેને પણ શિખંડ ખાવાથી આનંદ મળવો જોઇએ. પણ
તેને આનંદ મળતો નથી. એટલે શિખંડમાં આનંદ નથી. તે પ્રમાણે બધા વિષયોનું સમજવાનું છે.
મા! મન વિષયમાં તદ્રૂપ થાય છે. ઇન્દ્રિયો બહાર થી અંતર્મુખ થાય છે, મન થોડી વાર એકાગ્ર એકાકાર થાય છે. મનને
ચેતન આત્મા નો સ્પર્શ થાય છે. એટલે આનંદનો ભાસ થાય છે. મન અંતર્મુખ હોય તેટલો સમય આનંદ મળે છે. મન બહિર્મુખ
થાય, બહાર જાય ,આત્મા થી વિમુખ થાય તો આનંદ મળતો નથી. મન એકાગ્ર થયું તેને બ્રહ્મસંબંધ થયો કે તેને આનંદ મળ્યો.
મન વ્યગ્ર થયું કે આનંદ ઊડી જાય છે. કલ્પના કરો, શેઠ શિખંડ પૂરી જમવા બેઠા છે. ત્યાં મુંબઈની પેઢીમાંથી તાર આવ્યો કે પેઢી
ડૂબી ગઇ છે. એ જ શિખંડ ઝેર જેવો બની જાય છે. એ શિખંડ ભાવતો નથી.
મા! સંસારના જડ પદાર્થમાં આનંદ નથી. આનંદ જ્યારે જ્યારે મળે છે, ત્યારે તે ચેતન પરમાત્માના સબંધથી મળે છે.
આનંદ ત્યારે મળશે કે જ્યારે પરમાત્મા સાથે તમારો સંબંધ થશે. જીવ કપટી છે, પરમાત્મા ભોળા છે. જીવ ઊપેક્ષા કરે છે તો પણ
તેના અપરાધની પરમાત્મા ક્ષમા કરે છે. આનંદ એ નારાયણનું સ્વરૂપ છે.
આનંદનો વિરોધી શબ્દ જડશે નહિ. આનંદ એ બ્રહ્મસ્વરૂપ છે. જીવાત્મા પણ આનંદરૂપ છે, જીવ અજ્ઞાનથી આનંદને
બહાર શોધવા જાય છે. બહારનો આનંદ વધારે વખત ટકતો નથી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૫
આત્માને વાસ્તવિક રીતે સુખદુ:ખ થતું નથી. સુખદુઃખ મનમાં થાય છે. સુખદુ:ખ એ મનના ધર્મ છે. જન્મમરણ એ
શરીરના ધર્મ છે. ભૂખ તરસ એ પ્રાણના ધર્મો છે. સુખદુ:ખ મનને થાય એટલે આત્મા કલ્પે છે, કે મને દુ:ખ થાય છે. મનને,
થયેલા સુખદુ:ખનો આરોપ અજ્ઞાનથી, આત્મા પોતાનામાં કરે છે. સુખદુ:ખ, આત્મસ્વરૂપમાં ઉપાધિથી ભાસે છે. આત્મા સ્ફટિક
મણિ જેવો શુદ્ધ છે, તેમાં વિષયોનું પ્રતિબિંબ પડવાથી, મનને લીધે આત્મા માને છે કે મને દુ:ખ થયું. સ્ફટિક મણિ પાછળ જેવા
રંગનું ફૂલ રાખશો તેવો તે દેખાશે. પણ તે રંગ સ્ફટિક મણિનો નથી, પણ ફૂલનો છે. સ્ફટિક મણિ ધોળો છે તેની પાછળ લાલ
ગુલાબનું ફૂલ રાખો તો તે લાલ દેખાય છે. તે ગુલાબના સંસર્ગથી લાલ દેખાય છે.
જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે. જળના હલનચલનને કારણે એ પ્રતિબિંબ હાલતુ ચાલતું દેખાય અથવા કંપિત દેખાય
છે. પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું નથી. તેમ દેહાદિના ધર્મો, પોતાનામાં નહિ હોવા છતાં, જીવાત્મા તે પોતાનામાં કલ્પી લે છે.
બાકી જીવાત્મા નિર્લે૫ છે, જીવાત્મામાં જણાતા દેહાદિના ધર્મો નીચેના ઉપાયોથી દૂર થશે:-નિષ્કામ ભાગવતધર્મનું અનુસરણ
કરવાથી, ભગવાનની કૃપાથી અને તે દ્વારા પ્રાપ્ત થયેલા ભગવાન પરના ભક્તિયોગથી. ધીમે ધીમે પ્રતીતિ દૂર થાય છે. જે
ભક્તિનિષ્ઠ થાય છે, તે સમસ્ત લોકમાં પરમાત્મા વ્યાપેલો જોશે.
સંસારના વિષયોમાંથી સર્વ પ્રકારે હટી ગયેલું મન, ઈશ્વરમાં લીન થાય છે. મન નિર્વિષય બને ત્યારે આનંદરૂપ થાય છે.
મનુષ્ય જેવો કોઈ લુચ્ચો નથી અને ઇશ્વર જેવો કોઇ ભોળો નથી.
બીજાને માટે કરવું પડે તો ત્રાસ થાય. પોતાનાં સગાં માટે કરવું પડે તો આનંદ થાય છે. રાત્રે અગિયાર વાગ્યે કોઇ
મહારાજ, બહારગામથી આવશે તો પૂછશે, મહારાજ દૂધ લાવું કે ચા? મન કહે છે આખો દિવસ કામ કરી શરીર થાકી ગયું છે ને આ
લપ ક્યાંથી આવી? વિવેક ખાતર પૂછવું પડે છે. મહારાજ સારા હતા, કહે છે, સવારથી ભૂખ્યો છું. પૂરી કરો તો ચાલશે, કોઇનો પત્ર
લઈ આવ્યા હોય એટલે કરવું તો પડે છે. પણ તપેલાં પછાડશે અને કરશે. પણ રાત્રે અગિયાર વાગ્યે, પિયરથી બે ભાઇ આવ્યા
હોય તો ભાઇ કહેશે કે નાસ્તો કરીને આવ્યો છું, મને ભૂખ નથી. છતાં પણ કહેશે ભાઈ તું ભૂખ્યો છે, હમણાં જ શીરો હલાવી નાખું
છું. એમાં શું વાર લાગશે? ભાઈઓને શીરો પૂરી કરી જમાડશે. મહારાજને દૂધથી જ સમજાવશે. આ બધો મનનો ખેલ છે. મન બહુ
લુચ્ચું છે. મારું તારું એ મનના ઉભા કરેલા ખેલ છે. ખરેખર મન એ જ બંધન અને મોક્ષના કારણરૂપ છે.