પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
મા! આ જીવનાં બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે. મન જો વિષયોમાં આસક્ત થાય તો, બંધનનું
કારણ બને છે. અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થઇ જાય તો, તે મોક્ષનું કારણ બની જાય છે.
પ્રસઙ્ગમજરં પાશમાત્મન: કવયો વિદુ: ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।।
ચેત: ખલ્વસ્ય બન્ધાય મુક્તયે ચાત્મનો મતમ્ ।
ગુણેષુ સક્તં બન્ધાય રતં વા પુંસિ મુક્તયે ।।
ભગવાન શરીર જોતા નથી, ઘરને જોતા નથી, ભગવાન કાળજુ જુએ છે. મન મોટું હોય તો ભગવાન આવે છે. મનમાં
રહેલી અહંતા મમતા, પારકો-મારો જ મનને દુઃખી કરે છે. અને તે મનના ધર્મો આત્મસ્વરૂપમાં ભાસે છે. તેથી આત્મા પોતાને
સુખીદુઃખી માને છે, પરંતુ વાસ્તવમાં એ આનંદરૂપ છે.
મન સુધરે તો બધું સુધરે છે. મન બગડે તો બધું બગડે છે. સુખદુઃખ આપનાર અહંતા-મમતા છે. તેને છોડી દેવાય ત્યારે
આનંદરૂપ મળે છે.
પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી, ત્યારે પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે. મન અધોગામી છે.
મનુષ્યનું મન પાણીની જેમ ખાડા તરફ જાય છે. જળની જેમ મન પણ અધોગામી એટલે નીચે જવાવાળા સ્વભાવનું છે,
મનનો સ્વભાવ એવો છે કે ઊંચે ચડતું નથી, નીચે જાય છે. આ મનને ઉપર ચડાવવાનું છે. પરમાત્માનાં ચરણ સુધી લઇ જવાનું
છે. પાણીને યંત્રનો સંગ થાય તો પાણી ઊંચે ચડે છે, તેમ મંત્રના સંગથી મન ઊંચે ચડે છે. મનને મંત્રનો સંગ આપો. મનને મંત્રનો સંગ
થાય તો, અધોગામી મન ઊર્ધ્વગામી બનશે. જેણે પોતાનું મન સુધાર્યું તે બીજાને સુધારી શકે છે. મનને સુધારવા બીજું સાધન
નથી. મન શબ્દને ઉલટાવવાથી થશે નમ. નમન અને મંત્રજપથી મન સુધરશે.
મનને સ્થિર કરવા, નામ જપની આવશ્યકતા છે. જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો
જપ કરો. સંસારના વિષયોના સંગથી બગડેલું એ મન સુધરે છે, ઈશ્વરનું ધ્યાન કરવાથી. સર્વના અંતરમાં પરમાત્મા રહેલા છે, તેમ
છતાં સર્વનાં દુઃખ તે દૂર કરતાં નથી. અંદર બિરાજી રહેલાં ચૈતન્યરૂપ પરમાત્મા મન બુદ્ધિને પ્રકાશ આપે છે. ભગવાનનું
સગુણસ્વરૂપ એવું તેજોમય છે કે આપણા જેવા સાધારણ જીવો તે જોઈ શકે નહિ. ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી દેખાતું
નથી. ભગવાનનું સગુણ સ્વરૂપ તેજોમય હોવાથી જોઇ શકાતું નથી. તેથી આપણા જેવા માટે તો ભગવાનનું નામસ્વરૂપ,
મંત્રસ્વરૂપ ઇષ્ટ છે. ભગવાન ભલે પોતાનાં સ્વરૂપ છુપાવી શકે, પણ નામને છુપાવી શક્તા નથી. નામથી સ્વરૂપ પ્રગટ છે. માટે
પરમાત્માના કોઈ નામનો દૃઢ આશ્રય કરો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૬
મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરવાથી બગડેલું મન સુધરશે. મન
લૌકિક વાસનાથી બગડયું છે. અલૌકિક વાસના જાગશે તો સુધરશે. વાસનાનો નાશ, વાસનાથી જ કરવો પડે છે. લૌકિક વાસના
અલૌકિક વાસનાથી જ નીકળે છે. અસદ્ વાસનાનો વિનાશ સદ્ વાસનાથી થાય છે. મારે જન્મમરણના ફેરામાંથી મુક્ત થવું છે.
મારે ગોલોકધામમાં જવું છે. મારે હવે કોઈ માના પેટમાં જવું નથી. મારે આ જન્મમાં પરમાત્માના દર્શન કરવાં છે. આવી ભાવના
રાખો, તો લૌકિક વાસનામાં ફસાયેલું મન સુધરે છે. કાંટો જેમ કાંટાને કાઢે છે તેમ વાસના વાસનાને કાઢે છે. ફિલ્મ જોવાની
વાસના કાઢવી હોય તો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થવાની વાસના રાખવી. એવી વાસનાથી પુસ્તકસંગ લાગશે, પુસ્તકસંગથી
ફિલ્મ જોવાની વાસના છૂટી જશે.
એક રાજાને ત્યાં બકરો હતો. રાજાએ એક વખત જાહેર કર્યુ કે આ બકરાને પેટ ભરીને જંગલમાંથી કોઈ ચરાવી લાવી તૃપ્ત
કરશે, તેને હું અડધું રાજ્ય આપીશ. પરંતુ બકરાનું પેટ ભરાયું કે નહિ તેની હું પરીક્ષા કરીશ.
જાહેરાત સાંભળી તરત એક મનુષ્ય રાજા પાસે આવ્યો. બકરાને પેટ ભરીને ચરાવવું એમાં શું મોટી વાત છે, એમ કહી
રાજા પાસેથી બકરાને ચરાવવા લઈ ગયો. આખો દિવસ સુંદર સુંદર ઘાસ બકરાને ખૂબ ખવડાવ્યું. સાંજ પડી તે મનુષ્યને લાગ્યું કે
બકરાનું પેટ હવે ભરાઈ ગયું છે. બકરાને ખૂબ ચરાવ્યો છે. સાંજના તે મનુષ્ય બકરાને રાજા પાસે લાવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું
લીલું ઘાસ બકરા પાસે મુકયું કે બકરો ઘાસ ખાવા લાગ્યો. રાજાએ પેલા મનુષ્યને કહ્યું, તેં કયાં પેટ ભરીને ખવડાવ્યું છે? પેટ
ભરીને ખવડાવ્યું હોત તો તે ઘાસ ખાત જ નહિ.
ઘણાં માણસોએ પ્રયત્ન કરી જોયાં બકરાને ખૂબ ખવડાવે, પણ જ્યાં દરબારમાં આવે અને રાજા બકરાને ઘાસ નાંખે
એટલે બકરો તે, ઘાસ ખાવા લાગે.
એક સત્સંગીને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે, તત્ત્વ છે. હું યુક્તિથી કામ લઈશ. તે બકરાને ચરાવવા
લઈ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય કે તરત તેના મોઢા ઉપર લાકડીનો ફટકો મારે. બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન
કર્યો તેટલી વાર લાકડીના ફટકાઓ મોંઢા ઉપર પડયા. અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મુખ નાખીશ તો મને માર પડશે. મુખ
ઉપર લાકડીનો પ્રહાર થશે.
સાંજના સત્સંગી બકરાને લઈને રાજા પાસે આવ્યો. બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું ન હતું. છતાં રાજાને કહે મેં આને
પેટ ભરીને ખવડાવ્યું છે, હવે અત્યારે તે બિલકુલ ઘાસ ખાશે નહિ. આપ પરીક્ષા કરી જુઓ.
રાજાએ બકરાને ઘાસ ખાવા નાખ્યું, પણ બકરો ઘાસ તરફ જોતો પણ નથી, અને તે ઘાસને સૂંઘતો પણ નથી. બકરાના
મનમાં ઠસી ગયું હતું કે ઘાસ ખાવા જઇશ તો માર પડશે. બકરો ઘાસ ખાતો નથી.
બકરો એ બીજું કોઇ નહિ પણ મન એ જ બકરો છે, આ મનીરામ બકરા જેવો છે.