પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
વૈષ્ણવો ભગવાન સાથે રમે છે, જીવ જે જે ક્રિયા કરે તે ઈશ્વરને માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને.
ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. માનસી સેવા શ્રેષ્ઠ છે, સાધુસંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો
જીવ કૃતાર્થ થાય. ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્યા છે. તેમનો આદર્શ માનસ સમક્ષ રાખવો.
જ્ઞાનમાર્ગથી, યોગમાર્ગથી, ઇશ્વરમાં જે આનંદનો અનુભવ થાય છે, તે સહજ ભક્તિથી પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાની,
યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. એમાં ભગવાનનું
સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન કેવા છે?
તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ: ।।
પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું તાપત્રયવિનાશાય દુ:ખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં
ઈશ્ર્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે અને તેને આનંદ મળે છે. જીવનો સ્વભાવ સુંદર નથી.
પરમાત્માનું શરીર ભલે કોઇ વાર સુંદર ન હોય કૂર્માવતાર, વરાહ અવતારમાં શરીર સુંદર નથી. પરંતુ પરમાત્માનો સ્વભાવ
અતિશય સુંદર છે. બીજાનું દુ:ખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે, તેથી ભગવાન વંદનીય છે, સ્વભાવ અને સ્વરૂપ બંને જેના
સુંદર તે ઇશ્વર.
આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક-ત્રણે પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રીકૃષ્ણને અમે વંદન
કરીએ છીએ. ઘણાં કહે છે, વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધાકૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ પા૫,
તાપ નષ્ટ થશે, પણ વંદન એકલા શરીરથી નહિ મનથી કરો, રાધાકૃષ્ણને હ્રદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો, વંદન
પ્રભુને બંધનમાં નાંખે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪
દુ:ખમાં સાથ આપે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા દુ:ખમાં જ સાથ આપે છે, તેથી તે વંદનીય છે.
ઈશ્વરે જેને મદદ કરી છે તે પાંડવો દુ:ખમાં હતાં ત્યાં સુધી જ શ્રીકૃષ્ણે તેમને મદદ કરી છે. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રીકૃષ્ણ
ત્યાંથી ગયા. ઈશ્વર સહુને દુ:ખમાં જ જડયા હતા. સુખનો સાથી જીવ અને દુ:ખનો સાથી ઈશ્વર છે. એનું સતત મનન કરો.
મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે (અને દુ:ખ સહન કરે છે) તેથી પણ ઓછા પ્રયત્નો જો ઈશ્વર માટે કરે, તો
તેને ઈશ્વર મળે.
કનૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘરે જતો હતો. પણ મારે ઘરે તેઓ કેમ આવતા નથી, એમ કદી વિચાર્યું? તમે પણ
નિશ્ર્ચય કરો, હું મારા હાથે એવાં સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે.
ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે મારા હાથે હું
સત્કર્મ કરીશ. મસ્તક નમાવવું એટલે મારી બુદ્ધિશક્તિ હે નાથ, મેં તમને અર્પણ કરી છે. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને
બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ કરવું તે.
ઘરની બહાર નીકળો ત્યારે ઠાકોરજીને પ્રણામ કરીને નીકળજો, ઈશ્ર્વર પ્રેમ માંગે છે અને પ્રેમ આપે છે. ઇશ્વર માને છે,
વંદન કરવાથી જીવ સાથે સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે પ્રભુને વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે
સ્ત્રી ઘરમાં ન હોય તો પોતાના બાળકને પૂછે છે તારી મા કયાં ગઈ? પણ એવી શી ઉતાવળ છે? બહાર ગઈ હોય તો રામ રામ
કરને. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઈશ્વરને વંદન કરો. રસ્તે ચાલતાં પણ વંદન કરો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય
અનુભવ થાય કે ઠાકોરજી નિત્ય મારી સાથે છે. જીવ ઈશ્વરથી થોડી પળ માટે પણ દૂર થાય તો જીવની છાતી ઉપર વિષયો ચઢી
બેસે છે. પરંતુ ઈશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચઢી બેસતા નથી. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.