પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
વિધિનિષેધની મર્યાદા ત્યાગી ચૂકેલા મોટા મોટા ઋષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા
રત રહે છે. એવો છે ભક્તિનો મહિમા,
નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરે: ।।
જ્ઞાનીને અભિમાન પજવે છે, ભક્તને નહિ. ભક્ત અનેક સદ્ગુણોને લાવે છે. ભક્તિ સર્વ ગુણોની જનની છે. ભક્ત નમ્ર
હોય છે. ભક્ત વિનીત બને છે.
ભાગવત કથા:-જે કથા પાપ છોડાવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરે તે સાચી ભાગવત કથા. ભગવાનની કથા અને
ભગવાનના સ્મરણથી હ્રદયને આર્દ્ર બનાવો, તેના મંગલમય નામનો જપ કરો. આ જ કળિયુગમાં મુક્તિ પામવાનો માર્ગ છે.
વિષયોનું બંધન મનુષ્ય છોડે, તો જ મનને સાચા આનંદનું સુખ મળે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા
જજો. ભક્તિમાં આનંદ આવશે. વૈરાગ્ય વિનાની ભક્તિ સફળ થતી નથી.
આચારવિચાર શુદ્ધ હશે, ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે ભક્તિનો વિનાશ થયો છે.
ભાગવતશાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે. કાળના મુખમાંથી છૂટવા, કાળના
પણ કાળ શ્રીકૃષ્ણને શરણે જાવ.
જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે, તેની ચિંતા ભગવાન પોતે કરે છે.
મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોણાથી ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે છે કે આવતી કાલે હું અર્જુનને મારીશ, અથવા હું
મરીશ. આથી સર્વ ગભરાયા. કારણ કે તે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી. આ સાંભળી કૃષ્ણ ભગવાનને કાંઇ ચેન પડતું નથી.
રાત્રે નિદ્રા આવતી નથી. ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી અર્જુનની શી દશા થઈ હશે એમ વિચારી તેઓ અર્જુનની સ્થિતિ જોવા આવ્યા.
જઈને જુએ તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યુ, ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, તેમ છતાં આ તો
શાંતિથી સૂતેલો છે. તેમણે અર્જૂનને જગાડયો અને પૂછ્યું, તેં ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી છે ને?
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૧
અર્જુન કહે:-હા સાંભળી છે.
શ્રીકૃષ્ણ કહે:-તો તને મૃત્યુની બીક નથી? ચિંતા નથી?
અર્જુન કહે:-મારી ચિંતા કરનારો, મારો ધણી છે, તે જાગે છે. માટે હું શયન કરું છું. તે મારી ચિંતા કરશે. હું શા માટે
ચિંતા કરું?
આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્યની ચિંતા જયાં સુધી ઇશ્વરને ન થાય, ત્યાં સુધી એ નિશ્ચિંત થતો નથી.
પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદ્ભાવ
જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી જ સંત મળે છે. જયાં સુધી મન શુદ્ધ થશે
નહિ, ત્યાં સુંધી પ્રભુ કૃપા થશે નહિ. મન દૂષિત હોય ત્યાં સુધી સંત મળતા નથી, સંત થશો તો સંત મળી આવશે.
સંત જોવાની દૃષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, પણ ભોગવવામાં આનંદ નથી. સંસાર, એ ઈશ્વરનું
સ્વરૂપ છે, તેથી જગતને ઇશ્ર્વરમય નિહાળો. શુકદેવ-અપ્સરાનો પ્રસંગ અગાઉ આપ્યો છે. મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ
બતાવ્યું છે કે, જેનાં દર્શનથી કનૈયો યાદ આવે તે વૈષ્ણવ. જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ.
અપ્સરાઓને શુકદેવના દર્શનથી વૈરાગ્ય આવ્યો છે. કૃષ્ણકથા પાછળ તેઓ પાગલ બની છે.
જગતમાં સંતોનો અભાવ નથી, પણ સદ્-શિષ્યોનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી આવે
છે. મનુષ્ય સંત બને છે, ત્યારે તેને સંત મળે છે. સંત બન્યા પહેલાં સંત મળે તો તે સંત પ્રતિ સદ્ભાવ થશે નહિ. જેની આંખમાં
ઇશ્વર છે, તે સર્વમાં ઇશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. ઇશ્વર વિના કોઈ નિર્દોષ નથી. સંતોમાં
પણ એકાદ દોષ રહેલો હશે. પૂર્ણ સત્ત્વગુણ પ્રગટ થાય તો, જીવ આ શરીરમાં રહી શકતો નથી, ઈશ્વરથી તે અલગ રહી શક્તો
નથી. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી અને સર્વ પ્રકારે સુખી થાય તે
સાનભાન ભૂલે છે. જગાત સર્વ સુખી અસા કોણ આહે વિચારી મના તુજ શોધોની પાહે । સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ અને ગુણ છે.
દૃષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઇના દોષ દેખાય નહિ. તમારી દૃષ્ટિ ગુણદોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ તમને દોષ
દેખાશે, માટે દૃષ્ટિ જ્ઞાન મયી કૃત્વા પશ્યેત્ બ્રહ્મમયં જગત । જેની દૃષ્ટિ ગુણમય છે, તે જ સંત છે.