પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભિષ્મપિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે:-નાથ કૃપા કરો, જેવા ઉભા છો તેવા જ ઊભા રહેજો.
સ દેવદેવો ભગવાન્ પ્રતીક્ષતાં કલેવરં યાવદિદં હિનોમ્યહમ્ ।
કૃષ્ણ વિચારે છે, મને બેસવાનું પણ નહિ કહે? પુંડલિકની સેવા મને યાદ આવે છે. તુકારામે પ્રેમમાં એકવાર પુંડલિકને
ઠપકો આપ્યો. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા તેની તેં કદર ન કરી, મારા પ્રભુને તેં ઉભા રાખ્યા છે.
રોજ પ્રાર્થના કરો કે નાથ, મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ છે, ત્યારે જ ખૂબ ભક્તિ કરો અને પ્રભુને રીઝાવો.
શ્રીકૃષ્ણ કહે છે:-દાદા, આ ધર્મરાજાને થાય છે કે, મેં બધાને માર્યા છે. મારે લીધે સર્વનાશ થયો. તેમને શાંતિ મળે તેવો
ઉપદેશ કરો.
ભિષ્મપિતા કહે છે:-ઉભા રહો. ધર્મરાજાની શંકાનું નિવારણ પછી કરીશ. મારી એક શંકાનું સમાધાન પહેલાં કરો. મારા
એક પ્રશ્નનો જવાબ પહેલા આપો. મારું જીવન નિષ્પાપ છે. મારું મન પવિત્ર છે. મારું તન પવિત્ર છે. મારી ઇન્દ્રિયો શુદ્ધ છે. આ
કોની પાસે વાત કરે છે? જે મનની પણ જાણે છે તેની પાસે, ભીષ્મ કહે છે. મેં પાપ કર્યું નથી તેમ છતાં આજે મને આ સજા કેમ
થાય છે? મારે બાણની શય્યા ઉપર સૂવું પડયું છે. મને અતિશય વેદના કેમ થાય છે? હું નિષ્પાપ છું, છતાં કેમ સજા કરો છો?
ભગવાન કહે છે:-દાદાજી, આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે, તેથી તો હું આપને મળવા આવ્યો છું. આપે પાપ કર્યું
નથી પણ તમે આંખથી પાપ જોયું છે. આપે પાપ જોયું, તેની આ સજા કરી છે.
કોઈ પાપ કરે તે તમે જુઓ તો એ પણ પાપ છે. કોઈના પાપનો વિચાર કરો એ પણ પાપ છે. કોઇનું પાપ જોશો નહિ,
સાંભળશો કે કહેશો નહિ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૫
ભીષ્મ:-તે પાપ મને યાદ આવતું નથી. મેં કયું પાપ જોયું છે?
કૃષ્ણ:-દાદાજી, તમે ભૂલી ગયા હશો. પણ હું ભૂલ્યો નથી. હું ઇશ્વર છું. મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો,
દાદાજી, તમે સભામાં બેઠા હતા. દુઃશાસન દ્રૌપદીને ત્યાં લઇ આવ્યો હતો, ત્યારે તમે ત્યાં જ હતા. દ્રૌપદીએ કહેલું, જુગારમાં
પતિ હારી જાય તે પછી એ પત્નીને દાવમાં લગાડી શકે નહિ.
દુર્યોધને કહેલું:-દ્રૌપદી દાસી બની છે. એને નિર્વસ્ત્ર કરો.
તે વખતે દ્રૌપદીએ તમને કહેલું, પતિ હારી ગયા પછી પત્નીને દાવ પર લગાવવાનો, પતિને અધિકાર નથી. દાદાજી
મારો ન્યાય કરો. હું જિતા કે અજિતા. તે વખતે તમે કહેલું, દુર્યોધનનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. મને કાંઇ સૂઝતું
નથી, તમે કાંઈ બોલ્યા નહીં. આવું પાપ સભામાં થાય અને તમે તે નિહાળો, તે તમારા જેવા જ્ઞાનીને શોભે? દ્રૌપદીની લાજ
લૂંટાતી ભરસભામાં તમે જોઈ છે. દ્રૌપદીને આશા હતી. તમારા જેવા સભામાં બિરાજો છો, તો ચોક્કસ અન્યાય થતો અટકાવશો.
તમે તે વખતે દ્વિધામાં પડેલા. અન્યાય અટકાવ્યો નહિ. એટલે દ્રૌપદીએ નિરાશ થઈ પુકાર કર્યો.
હે કૃષ્ણ હે દ્વારકાવાસિન્ । કવાસિ યાદવનન્દન ।
કૌરવે: પરિભૂતામ્ મામ્ કિં ન જાનાસિ કેશવ ।।
દ્રૌપદીનો પુકાર સાંભળી હું ત્યાં ગુપ્તરૂપે આવ્યો હતો. હું બધું જોતો હતો. દુઃશાસન મારી દ્રૌપદીની સાડીઓ ખેંચવા
લાગ્યો. તમે તે જોતા હતા. સભામાં અન્યાય થતો તમે જોયો છે, તેની તમને આ સજા થાય છે.
ભીષ્મ પિતાએ નમન કર્યું છે. ભીષ્મ પિતાએ તે પછી ધર્મરાજાને ઉપદેશ કર્યો છે:-સ્ત્રીધર્મ, આપદધર્મ, રાજધર્મ,
મોક્ષધર્મ વગેરે સમજાવ્યા છે. મહાભારતના શાંતિપર્વમાં આ બોધ આવ્યો છે. તે પછી પરધર્મ બતાવ્યો.
યુધિષ્ઠરે પૂછ્યું:-સર્વ ધર્મોમાં કયા ધર્મને તમે શ્રેષ્ઠ ધર્મ માનો છો? તથા કોના જપ કરવાથી જીવ જન્મ-મરણરૂપ
સંસાર બંધનથી મુક્ત બને છે?
ભીષ્મ પિતા કહે છે:-સ્થાવર,જંગમરૂપ સંસારના સ્વામી, બ્રહ્માદિ દેવોના દેવ, દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન,ક્ષર,અક્ષરથી શ્રેષ્ઠ, પુરૂષોત્તમના સહસ્રનામોનું નિરંતર તત્પર રહીને અને ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુ:ખમાંથી મુકત બને
છે.