પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. ઉત્તરાને ત્યાં બાળક થયો. તે ચારે તરફ જોવા લાગ્યો માના પેટમાં, મને
ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાતા હતા તે કયાં છે? પરીક્ષિત ભાગ્યશાળી છે કે તેને માતાના ગર્ભમાં પરમાત્માનાં દર્શન
થયાં.પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે.
યુધિષ્ઠિરે બ્રાહ્મણોને પૂછ્યું. બાળક કેવો થશે? બ્રાહ્મણોએ કહ્યું. સર્વ ગ્રહો દિવ્ય છે. એક મૃત્યુસ્થાન જરા બગડેલું છે.
એનું મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજાને આ સાંભળી દુઃખ થયું. મારા વંશનો દીકરો અને તે સર્પદંશથી મૃત્યુ પામે તે યોગ્ય નથી.
ત્યારે બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું કે સર્પદંશથી તેનું મૃત્યુ ભલે થશે પણ તેને સદ્ગતિ મળશે. તેના બીજા ગ્રહો સારા છે. તે ગ્રહો
જોતાં લાગે છે કે આ જીવાત્માનો આ છેલ્લો જન્મ છે. નવમા સ્થાનમાં સ્વગૃહે ઉચ્ચ ક્ષેત્રનો બૃહસ્પતિ હોય તે ધર્માત્મા બને છે.
પરીક્ષિત રાજા ધીમેધીમે મોટા થયા છે. ચૌદ-પંદર અધ્યાયમાં ધૃત્તરાષ્ટ્ર-પાંડવ મોક્ષની કથા કહી. સોળમા અધ્યાયથી પરીક્ષિત
ચરિત્રનો આરંભ કર્યો છે.
વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. વિદુરજીને ખબર પડી કે, સર્વ કૌરવોનો વિનાશ થયો છે.
ધર્મરાજા ગાદી ઉપર વિરાજયા છે. એક મારો ભાઇ ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને ત્યાં ટુકડા ખાવા પડયો છે. વિદુરકાકા પધાર્યા છે.
વિદુરજીનું સ્વાગત થાય છે. વિદુરકાકા માન લેવા આવ્યા ન હતા. પોતાના બંધુને બંધનમાંથી છોડાવવા આવ્યા હતા. વિદુરજીએ
૩૬ વર્ષ તીર્થયાત્રા કરી છે. આ સંતો તીર્થયાત્રા કરી તીર્થને પાવન કરે છે બાકી શાસ્ત્રમાં લખ્યુ છે:-ઉત્તમા સહજાવસ્થા, મધ્યમા
ધ્યાનધારણા । તેનું કારણ એ કે ઘણીવાર યાત્રામાં, બીજી ચિંતાઓમાં ઈશ્ર્વરનું નિયમથી ધ્યાન થતું નથી. સત્કર્મ નિયમપૂર્વક
થતું નથી, તેથી તીર્થયાત્રા કરતાં ભગવાનનું ધ્યાન અતિ શ્રેષ્ઠ છે.
દેવી ભાગવતમાં લખ્યું છે કે, ઘર કરતાં વધારે સત્કર્મ તીર્થયાત્રામાં ન થાય તો તીર્થયાત્રા નિષ્ફળ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૦
છત્રીસ વર્ષ વિદુરજીએ યાત્રા કરી છે. છતાં વિદુરે ટુંકમાં જવાબ આપ્યો છે. આત્મપ્રશંસા એ મરણ છે. સત્કર્મનું તમારા
મુખથી વર્ણન કરશો નહિ. છત્રીસ વર્ષની યાત્રાનું વર્ણન બત્રીસ શબ્દોમાં કર્યુ છે. આજકાલ, તો લોકો આટલી આટલી જાત્રાઓ અમે
કરી તેમ વારંવાર યાદ દેવડાવે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ. અને જેટલું પાપ થાય તે યાદ રાખો. આ સુખી થવાનો માર્ગ
છે. આજકાલ, મનુષ્ય પુણ્યને યાદ રાખે છે અને પાપને ભૂલી જાય છે.
યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યાં હોય, તેને વૃદ્ધાવસ્થામાં ઉંઘ આવતી નથી. મધ્યરાત્રિએ વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા.
ધૃતરાષ્ટ્ર જાગતા હતા. વિદુરજી ધૃતરાષ્ટ્રને પૂછે છે. કેમ ભાઇ ઊંઘ આવતી નથી? જે ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા, તેના ઘરમાં તું
ખાંડના લાડુ ખાય છે. ધિક્કાર છે તને. પાંડવોને તેં દુ:ખ આપ્યું. તું એવો દુષ્ટ કે દ્રૌપદીને સભામાં બોલાવવાની તે સંમતિ
આપેલી. પાંડવોને છોડી હવે યાત્રાએ નીકળો.
ધૃતરાષ્ટ્ર કહે છે:-ભત્રીજા બહુ લાયક છે. મારી ખુબ સેવા કરે છે. તેમને છોડવાનું મન થતું નથી.
વિદુરજી કહે છે:-હવે તને ભત્રીજા વહાલા લાગે છે. યાદ કરો, તમે પાંડવોને મારવા કેટકેટલા પ્રયત્નો કર્યા હતા.
ભીમસેનને લાડુમાં ઝેર ખવડાવ્યું, લાક્ષાગૃહને આગ લગાડી વગેરે. એ તો ધર્મરાજા ધર્મની મૂર્તિ છે. તેથી તે તારા અપકારનો
બદલો ઉપકારથી વાળે છે. મને એવું લાગે છે કે, થોડા દિવસમાં પાંડવો પ્રયાણ કરશે અને તને ગાદી ઉપર બેસાડશે. તું મોહ છોડ.
તારા માથે કાળ છે. તારા મુખ ઉપર મને મૃત્યુનાં દર્શન થાય છે. સમજીને ઘર છોડીશ તો કલ્યાણ છે, નહીંતર કાળ ધક્કો મારશે
એટલે, ઘર છોડવું પડશે. છોડયા વગર છૂટકો નથી. સમજીને ઘર છોડે તે બુદ્ધિમાન છે. થોડા સમયમાં તારું મરણ થશે.