પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
વિદુરજી કહે છે:-હું આમંત્રણ આપીશ, તો ના તો નહિ પાડે. પણ આ નાની ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં? આપણે
ઘરે પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પણ પરમાત્માને દુ:ખ થશે. મારા ભગવાન છપ્પન ભોગ આરોગે છે. ધૃતરાષ્ટ્રને
ત્યાં તેમનું સ્વાગત સારું થશે. મારી પાસે તો ભાજી સિવાય બીજું કશું નથી. હું તેમને શું અર્પણ કરીશ? જો મારે ત્યાં આવશે તો
ઠાકોરજીને પરિશ્રમ પડશે. મારા સુખ માટે, હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું.
આ જ પુષ્ટિભક્તિ છે. સુલભાએ કહ્યું, મારા ઘરમાં ભલે બીજુ કંઈ ન હોય, પણ મારા હ્રદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે, જે હું
મારા પરમાત્માને અર્પણ કરીશ.
આપણે જે ભાજી ખાઈએ છીએ, તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ.
જીભ સુધરે તો જીવન સુધરે, જીભ બગડે તો જીવન બગડે. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો શરીરમાં સત્ત્વગુણ વધે છે.
સત્ત્વગુણ વધે તો સહનશક્તિ વધે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે. આહારશુદ્ધૌ, સત્ત્વશુદ્ધૌ ધૃવાસ્મૃતિ: માટે અતિશય સાદું જીવન
ગાળો, વિદુરજીની જેમ, જેનું જીવન સાદું છે, તે જરૂર સાધુ થશે.
સુલભાએ કહ્યું:-હું ગરીબ છું, તો મેં શું ગુનો કર્યો છે? તમે કથામાં અનેકવાર કહ્યું છે, પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. ભગવાન
ગરીબ ઉપર ખૂબ પ્રેમ રાખે છે.
વિદુરજી કહે છે:-ભગવાન રાજમહેલમાં જશે તો સુખી થશે. મારા ઘરમાં ભગવાનને પરિશ્રમ થશે તેથી હું ના પાડુ છું.
દેવી, આપણાં પાપ હજુ બાકી છે. હું તને આવતી કાલે શ્રીકૃષ્ણનાં દર્શન કરવા લઈ જઈશ. પણ ઠાકોરજી આપણા ઘરે આવે, તેવી
આશા હાલ રાખવા જેવી નથી. આપણે ત્યાં તેઓ કોઇક વખત આવશે. આ વખતે નહીં.
વૈષ્ણવો આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહિ આવશે, તો પાંચ વર્ષ પછી આવશે. અરે! છેવટે મારા અંતકાળે
ઠાકોરજી જરૂર મારે ત્યાં આવશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૩
સુલભા વિચારે છે કે પતિ સંકોચવશ આમંત્રણ આપતા નથી, પણ હું મનથી આમંત્રણ આપીશ. બીજે દિવસે
બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે. વિદુર, સુલભા પ્રાર્થના કરે છે.
રથારુઢો ગચ્છન્ પથિ મિલિત ભૂદેવપટલૈ: । સ્તુતિપ્રાદુર્ભાવં પ્રતિ પદમુપાકર્ણ્ય સદય: ।।
દયાસિંધુર્બન્ધુ: સકલ જગતાં સિન્ધુ-સદયો । જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે ।।
રથયાત્રાના સમયે માર્ગમાં એકત્રિત થયેલા બ્રાહ્મણવૃન્દો દ્વારા કરાયેલી સ્તુતિ સાંભળીને પગલે પગલે, દયાથી દ્રવિત
થઇ રહેલા છે, એ દયાના સાગર અખિલ બ્રહ્માંડના બંધુ તેમ જ સમુદ્ર ઉપર કૃપા કરવા માટે તેના તટ પર નિવાસ કરવાવાળા શ્રી
જગન્નાથ સ્વામી સદા મારા નેત્રોની સન્મુખ રહો.
હંમેશા રથારૂઢ દ્વારકાનાથનાં દર્શન કરો.
જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય, ત્યાં સુધી પરમાત્મા તેની તરફ નજર કરતા નથી. અને ચાર આંખ એક થયા વગર દર્શનમાં
આનંદ આવતો નથી.
વિદુર, સુલભા પણ રથને નિહાળે છે. વિદુરજી વિચારે છે, મારા ઘરે ભગવાન આવે તેને માટે હું લાયક નથી. પણ મારા
ભગવાન એકવાર શું મને નજર પણ નહિ આપે? હું પાપી છું. પણ મારા ભગવાન પતિતપાવન છે. મારા પ્રભુ માટે મેં સર્વ
વિષયોનો ત્યાગ કર્યો છે, નાથ, તમારા માટે મેં કેટકેટલું સહન કર્યું છે. બાર વર્ષથી મેં અન્ન ખાધું નથી, ભગવાન એકવાર દ્રષ્ટિ
નહિ કરો? કૃપા નહિ કરો? હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ તમારે શરણે આવ્યો છે.
લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. પ્રભુએ આંખો નીચી રાખેલી છે. પ્રભુએ આંખો ઊંચી કરી છે, વિદુર-સુલભા દર્શન
કરે છે. શ્રીકૃષ્ણની દૃષ્ટિ વિદુરકાકા ઉપર પડી છે. વિદુરકાકા પોતાને કૃતાર્થ માને છે કે ભગવાને મારી સામે જોયું. ભગવાનનું હ્રદય
પણ ભરાયું છે. દ્રષ્ટિ પ્રેમભીની થઈ છે. મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.
સુલભાને ખાત્રી થઈ કે મારા ઠાકોરજી મને જોઈ હસતા હતા. પ્રભુએ મને અપનાવી છે. મારા પ્રભુએ મારી સામે જોયું છે.
ભગવાન મને ઓળખે છે કે હું વિદુરજીની પત્ની છું. એટલે આંખ ઊંચી કરીને મને નજર આપી છે.
પ્રભુએ આંખથી એવો ભાવ બતાવ્યો કે, હું તમારે ત્યાં આવવાનો છું. પણ અતિ આનંદમાં આ ભાવ વિદુર-સુલભા
સમજયા નહિ.
શ્રીકૃષ્ણ રાજ દરબારમાં પધારે છે. આ તરફ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને એક માસથી શ્રીકૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરી છે.
શ્રીકૃષ્ણ પધારે છે, તેઓ ધૃતરાષ્ટ્ર-દુર્યોધનને જણાવે છે કે, હું દ્વારકાના રાજા તરીકે આવ્યો નથી, પાંડવોના દૂત તરીકે આવ્યો
છું. ભગવાનનું દુર્યોધને અપમાન કર્યું છે. દુર્યોધન દુષ્ટ હતો. દુષ્ટ દુર્યોધને દ્વારકાનાથનું અપમાન કર્યું છે. ભીખ માંગવાથી રાજય
મળતું નથી. સોયની અણી મૂકવા જેટલી જમીન પણ વિના યુદ્ધે હું આપવા તૈયાર નથી. દુર્યોધને કાંઈ માન્યું નહિ, શ્રીકૃષ્ણ સંધિ
કરવામાં નિષ્ફળ જાય છે.