પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આગ્નીધ્રના ઘરે થયા નાભિ, નાભિના ઘરે ઋષભદેવ પુત્રરૂપે પ્રગટ થયા, ઋષભદેવજીજ્ઞાનનો અવતાર છે. જ્ઞાની પરમહંસોનુંવર્તન કેવું હોય તે બતાવવા, ભગવાને ઋષભદેવજીરૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની ૫રમહંસનો આદર્શ બતાવવા ઈચ્છા હતી. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ.
ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે.માનવજીવન ભોગ માટે નથી.તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો.માનવ શરીરવિષયસુખોમાં વેડફી નાંખશો નહિ.
જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવુંજોઈએતે બતાવવા, ઋષભદેવજીએ સર્વે સંગનો ત્યાગ કર્યો.સર્વ ત્યાગ કર્યો.ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાયા નહીં.ગૃહસ્થને પૈસો છોડવો, કામસુખ છોડવું,એ એટલુંઅઘરુંનથી જેટલુંમહાત્માઓને આ સિદ્ધિઓમાંથી છુટવું. જ્ઞાની મહાત્માઓને આ માયા-સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો વસ્ત્રનો પણ ત્યાગ કર્યો છે. ઊભા ઊભા ખાય છે. બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને કે શરીરને માર પડે છે, હું શરીર નથી. જુદો છું. બ્રહ્મનિષ્ઠ છું, શરીરથી આત્મા જુદો છે. એ જાણે છે બધા,પણ અનુભવે છે કોઈક.
નાળિયેરમાં કાચલી-કોપરુંએક નથી છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.તેમ મનુષ્યમાં જયાં સુધી વિષયરસ છે, વિષયાસક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદોછે, તેનો અનુભવ થતો નથી. કાચલી એ શરીર છે, કોપરુંએ આત્મા છે.પાણી એ વિષયરસ છે. કાચલીથી કોપરું અલગ કરવું કઠણ છે.તેમાં પાણી હશે ત્યાં સુધી કાચલી કોપરાંને છોડશે નહિ. તેમ સંસારની કોઇ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે, એમ લાગતું નથી.શરીરથી આત્મા જુદો છે, એમ દેખાતુંનથી.
શરીરને ચુંથ્યે આનંદ આવવાનો નથી. આત્મા આનંદરૂપ છે.
નામરૂપનો મોહ છૂટતો નથી, ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે, એમ દેખાતું નથી. ઊલટો દેહાધ્યાસ વધે છે.સંસારના જડપદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે.
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારના જડ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે પણ જો તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહિ. બ્રહ્મજ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે.
જ્ઞાની પુરુષે કોઈપણ વસ્તુમાં સ્નેહ કરવો નહિ. કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ. આ મનુષ્યજન્મ તપ કરવા માટે છે. મનુષ્યદેહથી તપ કરી લેવું.તેથી અંતકરણ શુદ્ધ થાય છે. અંતકરણની શુદ્ધિથી, અનંત બ્રહ્મસુખ મળે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૪
મહાપુરુષોની સેવા એ મુક્તિનુંદ્વાર છે અને સ્ત્રીસંગી કામીઓનો સંગ એ નરકનુંદ્વાર છે.
આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ એ ગુરુ નથી.સ્વજન એ સ્વજન નથી.પિતા એ પિતા નથી. અને માતા એ માતા નથી.એટલે કે તે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી.
જ્ઞાનની સાત ભૂમિકાઓ, યોગવસિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવેલી છે :
(૧) શુભેચ્છા (૨) સુવિચારણા (3)તનુમાનસા (૪) સત્ત્વાપત્તિ (૫) અસંશક્તિ(૬) પદાર્થભાવિની અને (૭) તુર્યગ.
(૧) શુભેચ્છા:-આત્મકલ્યાણ માટે ક્ષેત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શાસ્ત્રોનુંઅવલોકન કરી, તેમના ઉપદેશ પ્રમાણે આત્મવિચાર કરીશ. એવી આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઇચ્છા તે શુભેચ્છા.
(૨)સુવિચારણા:-સદ્ગુરુએ ઉપદેશ કરેલાં વચનોના તથા મોક્ષ શાસ્ત્રોનો વારંવાર વિચાર તે સુવિચારણા.
(૩) તનુમાનસા:-શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી જે શબ્દાદિ વિષયોમાં અનાસક્તિ થાય છે અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા-સૂક્ષ્મતા પ્રાપ્ત થાય તે.
(૪) સત્ત્વાપત્તિ:-ઉપરના ત્રણથી સાક્ષાત્કાર પર્યંત સ્થિતિ એટલેનિર્વિકલ્પ સમાધિ,રૂપ સ્થિતિ એ સત્ત્વાપતિ, જ્ઞાનની ચોથી ભૂમિકાવાળો પુરુષ બ્રહ્મવિત્ કહેવાય છે.
(૫) અસંશક્તિ:-ચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કાર રૂપ ચમત્કાર થાય છે તે અસંશક્તિ, એમાં અવિદ્યા તથા તેનાં કાર્યોનો સંબંધ નથી, તેથી તેનું નામ અસંશક્તિ.
(૬) પદાર્થભાવિની:-પદાર્થોની, દૃઢ અપ્રતીતિ થાય છે તે.
(૭) તુર્યગ:-ત્રણ અવસ્થાથી મુકત બ્રહ્મને જે અવસ્થામાં આત્મરૂપે અખંડ જાણે તે અવસ્થા, તેમાં પ્રથમ ત્રણ સાધનકોટિની છે,બાકીની ચાર જ્ઞાનકોટિની છે. ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો. જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોંચતાં જડ અને ચેતનની ગ્રંથી છૂટી જાય છે, અને પરમાત્માનો અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકાઓમાં ઊત્તરોત્તર દેહનુંભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરેલી.