આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની 151મી જયંતી છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ તેમના માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આજના દિવસે લોકો સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને ગાંધી બાપુને યાદ કરે છે.
રાષ્ટ્રપિતા તરીકે પણ જાણીતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમને પ્રેમથી બાપુ પણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળમાં અહિંસા અને સત્યને અનુસર્યા હતા અને તે જ લોકોને શીખવ્યું હતું. દર વર્ષે 02 ઓક્ટોબરે, મહાત્મા ગાંધીની જન્મજયંતિ ભારતના ખૂણે-ખૂણે તેમજ વિશ્વના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રેલીઓ, પોસ્ટર હરીફાઈઓ, ભાષણ, ચર્ચા, નાટક સહિતના વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.