આજે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ છે. ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હિન્દી ભાષા બોલનારા લોકો વસે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખતી સંસ્થા એથ્નોલોગ અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ સંવિધાન સભાએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, ભારતની 'રાષ્ટ્રભાષા' હિન્દી રહેશે. આ નિર્ણયના મહત્વને સૂચવવા અને દરેક ક્ષેત્રમાં હિન્દીનો પ્રચાર કરવા માટે, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની વિનંતી પર, 14 સપ્ટેમ્બર, 1953 થી ભારતભરમાં દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
હિન્દી દિવસ પર દેશભરમાં અનેક સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધા, ચર્ચા, કવિતા પાઠ, નાટક અને પ્રદર્શનોનું આયોજન કરાય છે. આ સાથે જ હિન્દીના વિકાસમાં આખું વર્ષ સારું કામ કરનારી સરકારી કચેરીઓને પુરસ્કારથી સન્માનિત પણ કરાય છે.
