ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
તમને ભારત બહાર ફરવાની ઇચ્છા હોય અને વિઝાની માથાકૂટ પણ ન કરવી હોય તો આ છ દેશ છે, જ્યાં ભારતીયો વિઝા વગર જઈ શકે છે. ફક્ત પાસપૉર્ટ અને ID પ્રૂફ બતાવીને આ દેશોમાં ભ્રમણ કરી શકાય છે. આ છ દેશોમાં નેપાળ, મોરેશિયસ, ભુટાન, ઇન્ડોનેશિયા, હૈતી અને ડોમિનિકા છે. આ દેશોમાં ક્યાં ક્યાં ફરવા જઈ શકાય? એ વિશે જાણીએ.
1. નેપાળનાં ફરવાલાયક સ્થળો :- હિમાલયની ગોદમાં વસેલા નેપાળમાં ભારતીયો વિઝા વગર ફરી શકે છે. ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલો આ દેશ છે. પાડોશમાં હોવાને કારણે મોટા ભાગે ભારતીયો ત્યાં જવાનું પસંદ કરે છે. અહીં કાઠમંડુ, પોખરા સ્વયંભૂનાથ મંદિર, ભક્તપુર, લુમ્બિની અને ચિતવન નૅશનલ પાર્કની મુલાકાત લેવા જેવી છે.
2. મોરેશિયસ ભારતીય પર્યટકોનો બીજો સૌથી વધુ પ્રિય દેશ છે. આ જગ્યા ખાસ કરીને હનિમૂન કપલ્સને વધુ ગમે છે. વિઝા ફ્રી એન્ટ્રી આપતા આ દેશમાં ૯૦ દિવસ સુધી રહેવાની પરવાનગી મળે છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓ પાસે રિટર્ન ટિકિટ અને પર્યાપ્ત બૅન્ક બૅલૅન્સ હોવી જરૂરી છે. મોરેશિયસ વિશ્વના સૌથી ધનિક દેશોમાંનો એક છે. અહીં તમે બ્લૉક રિવર, ગોજ્ર્સે નૅશનલ પાર્ક, ચમારેલ, ટુ ઓક્સ બીચ અને લે મોર્ન બ્રેન્ટ જેવાં ઘણાં સુંદર સ્થળોએ ભ્રમણ કરી શકો છો. આ દેશ પાસપૉર્ટ રૅન્કિંગમાં 30મા ક્રમાંકે આવે છે.
3. ઇન્ડોનેશિયામાં પણ વિઝા વગર તમે ૩૦ દિવસ સુધી ફરી શકો છો. નિસર્ગપ્રેમીઓએ તો ચોક્કસપણે એક વખત ઇન્ડોનેશિયા જોવું જોઈએ. એના સુંદર દરિયાકિનારા, અન્ડરવૉટર ઍક્ટિવિટીઝ પરંપરાગત આર્ટ ગૅલરીઓ અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન પર્યટકોને ખૂબ આકર્ષિત કરે છે.
કૉન્ગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત, હવે ગુજરાતમાં આ નેતા સામે વિરોધ જાગ્યો; જાણો વિગત
4. કેબેરિયન દેશોમાંનો એક હૈતી છે. આ દેશ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પાસપૉર્ટ રૅન્કિંગમાં ૯૩મા ક્રમાંકે છે. અહીં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી છે, પરંતુ ઍરપૉર્ટ પર પ્રવાસી-ફી ચૂકવવી પડશે. પુરાવા તરીકે અધિકૃત પાસપૉર્ટ અને તમારા રહેઠાણની તમામ વિગતો, રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે. આ દેશમાં પૉર્ટ ઓ પ્રિન્સ, અમીગા આ, બેસિન બ્લ્યુ અને ઘણા સુંદર ચર્ચ પણ છે.
5. સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ ડોમિનિકા ખૂબ જ સુંદર અને શાંત છે. ત્યાં વસ્તી ઓછી છે. ભારતીયોને 180 દિવસ માટે વિઝા ઑન એરાઇવલ ફ્રી છે. આ દેશ કેબેરિયન સમુદ્રમાં છે. અહીંનાં સુંદર ઊંચા પહાડો, દરિયાકિનારા અને તળાવ જોવાલાયક છે. જંગલ સફારીની મજા પણ માણી શકાય એવી છે.
6. ઓછા બજેટમાં વિદેશપ્રવાસ કરવો હોય તો ભુટાનથી વધુ સુંદર જગ્યા બીજી કોઈ હોઈ ન શકે. આ દેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે બહુ જ પ્રખ્યાત છે. ભૂટાનનું પાસપૉર્ટ રૅન્કિંગ 90 છે.