ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભારતનો પ્રાચીન વારસો પશ્ચિમી દેશો દ્વારા વારંવાર અપનાવવામાં આવે છે. પછી તેઓ એના પર પોતાની માલિકીનો દાવો કરે છે. આવી જ રીતે બે જર્મન કંપનીઓએ દાવો કર્યો છે કે તેમણે ઝાડનાં પાંદડાંમાંથી પ્લેટ બનાવીને નવો આવિષ્કાર કર્યો છે. જર્મનીમાં 'લીફ રિપબ્લિક' અને 'લીફ' નામની કંપનીઓએ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો હતો. આ કંપનીઓ પાનની પ્લેટ બનાવીને એનું મોટા પાયે વેચાણ કરે છે. જોકે ભારતમાં પાનની પ્લેટનો ઉપયોગ પ્રાચીનકાળથી થાય છે.
ભારતમાં જમવાનું કેવું હોવું જોઈએ અને જમવાની પદ્ધતિ બંનેનું મહત્ત્વ છે. આયુર્વેદના પ્રામાણિત ગ્રંથ ચરકસંહિતામાં લખ્યું છે કે કેળના પાન ઉપર ભોજન મૂકીને હાથેથી જમવાથી (આંગળીઓનો સ્પર્શ થવાથી) જ્ઞાનેન્દ્રિયો વધુ સતેજ બને છે. ભારતમાં આજે ભલે લોકો સ્ટીલ, પ્લાસ્ટિક, સિરામિક કે કાચના વાસણમાં જમતા થયા હોય, પરંતુ હજી દેશના અમુક ભાગના ભારતીયો પત્રાવલીમાં જમે છે. હવન-પૂજા, લગ્ન કે અન્ય શુભ પ્રસંગોમાં પત્રાવલીનો ઉપયોગ થાય છે. મંદિરોમાં પ્રસાદ સૂકા પાનથી બનેલી વાટકીમાં મળે છે. ત્યારે જર્મનીની કંપનીઓનો આ દાવો હાસ્યાસ્પદ લાગે છે.
જર્મનીની લીફ રિપબ્લિકે આ નેચરલ પ્લેટના નામે ખૂબ કમાણી કરી હતી. જોકે આ કંપની વર્ષ 2018માં અમુક કારણોસર બંધ થઈ ગઈ હતી. લીફ રિપબ્લિકે 873 રૂપિયા પ્રતિ પ્લેટનું વેચાણ કર્યું હતું. એટલું જ નહીં વિદેશમાં એની નિકાસ પણ કરી હતી. અત્યારે 'લીફ' કંપની એક પ્લેટ 1000 રૂપિયામાં વેચીને કરોડોનો વ્યાપાર કરી રહી છે.
પાંદડાંની પ્લેટને જર્મનીની શોધ કહેનારી આ બે કંપનીઓમાંથી એકે સોશિયલ મીડિયા પર એનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના પર ભારતીય ટ્રોલરો ત્રાટકી પડ્યા હતા.