ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
બ્રિટિશ શાસન પહેલાં ભારત દેશ ‛સોને કી ચિડિયા’ કહેવાતો હતો. જેનું કારણ સમૃદ્ધ રાજાઓ અને રજવાડાઓ હતાં, જેમની તિજોરીઓ ભરેલી હતી. લોકોમાં ગરીબી નહોતી. બ્રિટિશયુગના અને એના પહેલાં પણ એવા ઘણા રાજા હતા, જેમના વિશે આજે મોટા ભાગના ભારતીયો જાણતા નથી. જો આપણે ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો આવા ઘણા ખાસ લોકો વિશે જાણી શકીએ. ઇતિહાસ પોતે રહસ્યોથી ભરેલો છે, જે સદીઓથી લેખકોનાં પુસ્તકોમાં બંધ છે.
આજે આપણે એવા જ એક પરિવારની વાત કરી રહ્યા છીએ, જે 1700ના દાયકામાં ઊભરી આવ્યો હતો. તે બ્રિટિશકાળ દરમિયાન ભારતનું સૌથી ધનિક ઘર હતું. આ ઘરના સભ્યો એટલા ધનિક હતા કે જેમની પાસે અંગ્રેજો પણ પૈસાની મદદ માટે આવતા હતા. અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે અંગ્રેજોએ માત્ર ભારત પર શાસન કર્યું છે અને તેઓએ ક્યારેય કોઈની સામે માથું નથી નમાવ્યું, પરંતુ તમને જણાવી દઈએ કે આ સાચું નથી. અંગ્રેજોના સમયમાં પણ ભારતમાં એવા લોકો હતા જેમની સામે બ્રિટિશ સામ્રાજ્ય માથું નમાવતું રહ્યું, તે બંગાળના મુર્શિદાબાદના જગતશેઠ હતા. તેમણે આપણા દેશમાં નાણાંની લેવડદેવડ, ટૅક્સ કલેક્શન વગેરેને સરળ બનાવ્યું હતું. એ સમયે તેમની પાસે એટલી સંપત્તિ અને દરજ્જો હતો કે તેઓ મુઘલ સલ્તનત અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સીધો વ્યવહાર કરતા હતા અને જરૂર પડ્યે તેમને મદદ પણ કરતા હતા.
અત્યારે ભલે બંગાળમાં આવેલું મુર્શિદાબાદ શહેર લોકો માટે જાણીતું નથી, પરંતુ અંગ્રેજોના સમયમાં આ શહેર વેપારનું મુખ્ય કેન્દ્ર હતું, જેની ચર્ચાઓ દૂર-દૂર સુધી થતી હતી. ‛જગતશેઠ’ એટલે વિશ્વના બૅન્કર, વાસ્તવમાં એક શીર્ષક છે. આ ખિતાબ ફતેહચંદને વર્ષ 1723માં મુઘલ બાદશાહ મહંમદ શાહે આપ્યો હતો. ત્યારથી આ આખો પરિવાર ‛જગતશેઠ’ તરીકે પ્રખ્યાત થયો.
શેઠ માણિકચંદ આ ઘરાણાના સ્થાપક હતા. આ ઘરાણાને એ સમયનું સૌથી ધનિક બૅન્કરનું ઘર માનવામાં આવતું હતું. શેઠ માણિકચંદનો જન્મ 17મી સદીમાં રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મારવાડી જૈન પરિવારમાં હીરાનંદ સાહુના ઘરે થયો હતો. માણિકચંદના પિતા હીરાનંદ વધુ સારા વ્યવસાયની શોધમાં બિહાર જવા રવાના થયા. પછી તેમણે પટનામાં સોલ્ટપેટ્રેનો વ્યવસાય શરૂ કર્યો, જેનાથી તેમને સારી આવક મળી. તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘણા પૈસા ઉધાર આપ્યા હતા, તેમ જ આ કંપની સાથે વ્યાવસાયિક સંબંધો પણ હતા. માણિકચંદે તેમના પિતાનો વ્યવસાય ઘણો ફેલાવ્યો. તેમણે નવાં ક્ષેત્રોમાં પોતાના વ્યવસાયનો પાયો નાખ્યો, સાથોસાથ વ્યાજ પર નાણાં આપવાનો ધંધો શરૂ કર્યો. ટૂંક સમયમાં જ તેમની મિત્રતા બંગાળના દીવાન મુર્શીદ કુલી ખાન સાથે થઈ. બાદમાં તેમણે આખા બંગાળનાં નાણાં અને ટૅક્સને સંભાળવાનું પણ શરૂ કર્યું. પછી તેમનો પરિવાર બંગાળના મુર્શીદાબાદમાં રહેવા લાગ્યો.
શેઠ માણિકચંદ પછી ફતેહચંદે કામ સંભાળ્યું. ફતેહચંદના સમયમાં પણ આ પરિવાર ઊંચાઈએ પહોંચ્યો હતો. આ ઘરાણાની શાખાઓ ઢાકા, પટના, દિલ્હી, બંગાળ અને ઉત્તર ભારતનાં મોટાં શહેરોમાં ફેલાઈ હતી. જેની મુખ્ય ઑફિસ મુર્શીદાબાદમાં હતી. આ કંપની લોન, લોનની ચુકવણી, બુલિયનની ખરીદી અને વેચાણ વગેરે માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે વ્યવહાર કરતી હતી. રોબર્ટ ઓર્મે તેમના વિશે લખ્યું કે તેમનો હિન્દુ પરિવાર મુઘલ સામ્રાજ્યમાં સૌથી ધનિક હતો. તેમના વડાનો બંગાળ સરકાર ઉપર પણ મોટો પ્રભાવ હતો.
આ ઘરની સરખામણી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ સાથે પણ કરવામાં આવી હતી. તેમણે બંગાળ સરકાર માટે પણ આવાં ઘણાં ખાસ કાર્યો કર્યાં, જે બૅન્ક ઑફ ઈંગ્લૅન્ડે 18મી સદીમાં અંગ્રેજ સરકાર માટે કર્યાં. તેમની આવક પણ ઘણા સ્રોતોમાંથી આવી હતી, જેમ કે તેઓ મહેસૂલ કર વસૂલતા હતા અને નવાબના ખજાનચી તરીકે પણ કામ કરતા હતા. મકાનમાલિકો પણ આના દ્વારા પોતાનો કર ચૂકવતા હતા. આ દ્વારા નવાબ દિલ્હીમાં પોતાનો વાર્ષિક ટૅક્સ પણ ચૂકવતો હતો. આ સાથે તે સિક્કાઓ પણ બનાવતા હતા.
જગતશેઠ એટલે કે શેઠ માણિકચંદની સ્થિતિ જોવાલાયક હતી. જોકે તે કોઈ પણ જગ્યાના રાજા-મહારાજા નહોતા. તેઓ બંગાળના સૌથી ધનિક અને પ્રખ્યાત શાહુકાર હતા. તે એકમાત્ર શાહુકાર હતા જે દરેક વ્યક્તિને ધિરાણ આપતા હતા. એટલું જ નહીં, મહાન રાજાઓ અને મહારાજાઓ પણ તેમની પાસેથી પૈસા ઉધાર લેતા હતા. આ કારણે જગતશેઠને બંગાળના સૌથી ખાસ લોકોમાં ગણવામાં આવતા હતા.
તેમની પાસે 2000 સૈનિકોની ફોજ હતી. બંગાળ, બિહાર અને ઓડિશામાં જે પણ આવકવેરો આવતો હતો, તે તેમના દ્વારા આવતો હતો. સોનું, ચાંદી અને નીલમણિ જગતશેઠ પાસે કેટલું હતું એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. હા, પરંતુ એ સમયે તેમના વિશે એક પ્રખ્યાત કહેવત હતી કે જો જગતશેઠ ઇચ્છે તો તે સોના-ચાંદીની દીવાલ બનાવીને ગંગાને રોકી શકે છે.
ફતેહચંદના સમયની વાત કરીએ તો એ સમયે તેમની સંપત્તિ 10,000,000 પાઉન્ડની આસપાસ હશે, જે આજના સમયમાં લગભગ 1000 અબજ પાઉન્ડ હશે. અંગ્રેજકાળના દસ્તાવેજો એવી માહિતી પણ આપે છે કે તેમની પાસે ઇંગ્લૅન્ડની તમામ બૅન્કો કરતાં વધારે પૈસા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એવો અંદાજ પણ છે કે 1720ના દાયકામાં જગતશેઠની સંપત્તિ સામે સમગ્ર અંગ્રેજ અર્થતંત્ર પણ નાનું હતું. આની ખાતરી કરવા માટે એ પણ જાણો કે અવિભાજિત બંગાળની લગભગ અડધી જમીન તેમની હતી, એટલે કે હાલના આસામ, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય તો એમાંથી અડધી તેમની માલિકીની છે.
1744માં ફતેહચંદનું સ્થાન તેમના પૌત્ર, મહતાબરાયે લીધું હતું અને તેઓ એક નવો ‛જગતશેઠ’ બન્યા. બંગાળમાં અલીવર્દી ખાનના સમય દરમિયાન તેઓ અને તેમના પિતરાઈ ભાઈ ‛મહારાજ’ સ્વરૂપચંદ પ્રખ્યાત હતા. જોકે અલીવર્દીના અનુગામી સિરાજ-ઉદ-દૌલાએ તેમને અલગ કરી દીધા હતા. સિરાજ-ઉદ-દૌલાએ જગતશેઠ પાસે યુદ્ધ ખર્ચ માટે 3 કરોડ રૂપિયા માગ્યા હતા. 1750ના દાયકામાં આ રકમ ખૂબ મોટી હતી. જ્યારે જગતશેઠ મહતાબરાયે આટલી મોટી રકમ આપવાની ના પાડી, ત્યારે સિરાજ-ઉદ-દૌલાએ તેમને એક થપ્પડ મારી હતી. આ ઘટના બાદ જગતશેઠ પોતાની સંપત્તિ અને સંપત્તિની સુરક્ષાને લઈને ચિંતિત હતા. પોતાના અપમાનનો બદલો લેવા માટે તેમણે બંગાળના ઉમરાવોના કેટલાક લોકોને પોતાની સાથે જોડીને સિરાજ-ઉદ-દૌલા વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું. જેની સાથે તેમનો ઉદ્દેશ હવે નવાબ સિરાજ-ઉદ-દૌલાને નવાબની ગાદી પરથી હટાવવાનો હતો. આ કામ હાથ ધરવા માટે જગતશેઠે 1757ના પ્લાસી યુદ્ધ દરમિયાન અંગ્રેજોને ભંડોળ પૂરું પાડ્યું. પછી જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે નવાબ સિરાજ-ઉદ-દૌલાની 50,000ની સેના રૉબર્ટ ક્લાઇવની 3000 સૈનિકોની સેના સામે હારી ગઈ હતી.
આ યુદ્ધ પછી જ્યારે સિરાજ-ઉદ-દૌલા માર્યો ગયો અને મીર ઝફર નવાબ બન્યો જેની સત્તામાં મહતાબરાય પ્રબળ રહ્યા. પરંતુ મીર ઝફરનો અનુગામી જેનું નામ મીર કાસિમ હતું, તેને લાગ્યું કે મહતાબરાય દેશદ્રોહી છે. પછી 1764માં બક્સરના યુદ્ધના થોડા સમય પહેલાં મીર કાસિમે જગતશેઠ મહતાબરાય અને તેમના પિતરાઈ મહારાજ સ્વરૂપચંદને રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ કરવાનો આદેશ આપ્યો અને પછી તેમને ગોળી મારી દેવામાં આવી. એવું પણ કહેવાય છે કે જ્યારે માહતાબરાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તે આખી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા.
માધવરાય અને મહારાજ સ્વરૂપચંદના મૃત્યુ પછી આ ઘરાણાના સમગ્ર સામ્રાજ્યનું પતન થઈ ગયું અને તેઓએ તેમના મોટા ભાગના જમીનના અધિકારો ગુમાવ્યા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પાસેથી પૈસા ઉધાર લીધા હતા, પણ તેમને પરત પણ કર્યા ન હતા. પછી બંગાળની બૅન્કિંગ, અર્થવ્યવસ્થા અને સમગ્ર શક્તિ બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના નિયંત્રણમાં આવી. આમ 1900ના દાયકામાં જગતશેઠ ઘરાણા લગભગ અદૃશ્ય થઈ ગયુ.