ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગત સિંહ નું અગ્રિમ સ્થાન છે. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. ગુલામ ભારતમાં જન્મેલા ભગતસિંહે બાળપણમાં દેશને બ્રિટીશ શાસનમાંથી આઝાદ કરવાનું સ્વપ્ન જોયું હતું. નાનપણથી જ તેના માટે સંઘર્ષ કર્યો અને પછી દેશમાં સ્થાપિત બ્રિટીશ શાસનનો પાયો હલાવ્યો અને ફાંસીના લટકી ગયા. તેઓ શહીદ થયા પણ ક્રાંતિ અને નીડરતાની વિચારધારાને છોડી ગયા જે આજ પણ યુવાનોને પ્રભાવિત કરે છે.
તેમનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ લયાલપુર જિલ્લાના બંગામાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. વ્યવસાયે તેઓ ખેડૂત હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા. ૧૯૨૮માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન દરમિયાન બ્રિટિશ અધિકારીઓના લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. લાલા જીનો પંજાબમાં ઘણો પ્રભાવ હતો. તેમના મૃત્યુથી ભગતસિંહ હચમચી ઉઠ્યા હતા અને તેમણે તેમના સાથીદારો શિવરામ રાજગુરુ, સુખદેવ ઠાકુર અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને લાઠીચાર્જ કરવાનો આદેશ આપતા જેપી સેન્ડર્સને ગોળી મારી દીધી હતી. તે પછી એપ્રિલ ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આના કારણે તેમને ઓક્ટોબર 1930 ના રોજ સજા કરવામાં આવી હતી અને 23 માર્ચ 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી.
