ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લા નજીક એક માર્ગ પર 22 કિલોનો કાચબો મળી આવ્યો હતો. આ એક દુર્લભ પ્રજાતિ છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જ જોવા મળે છે. ગત મંગળવારે રાત્રે સ્થાનિક નાગરિકોને આ કાચબો જોવા મળ્યો હતો. આ દુર્લભ વિશાળ કાચબાને રસ્તા પર ચાલતા જોઈને નાગરિકો ચોંકી ગયા હતા. ત્યાર બાદ સ્થાનિકોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને હિંગના રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) આશિષ નિનાવેને જાણ કરવામાં આવી હતી.
RFO નિનાવેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, “અમે તેને એક કે બે દિવસ નિરીક્ષણ હેઠળ રાખીશું, એની તપાસ કરવા માટે કે એને કોઈ નુકસાન તો નથી થયું? અને એને કોઈ આંતરિક આરોગ્યની સમસ્યા છે કે કેમ? એની માવજતની પુષ્ટિ કર્યા પછી, એને એના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે.”
દરમિયાન સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફના સભ્ય કુંદન હેતે મીડિયાને જણાવ્યું હતું કે, “કાચબા લિથ્સના સૉફ્ટશેલ ટર્ટલ નામની પ્રજાતિનો છે અને એ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ કાચબાની કોઈ નોંધ મધ્ય ભારતમાં થઈ નથી, તેથી આ શોધને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.”
ઉલ્લેખનીય છે કે મોટે ભાગે આ લેથ સૉફ્ટશલ કાચબા(કાચબાની જાત) દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જો કે એ હિંગના શહેર સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગેના પ્રશ્નનો જવાબ હજી સુધી જાણી શકાયો નથી.