ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
તમે સૌએ પોપટને લોકો સાથે ગાતા, વાતો કરતા જોયા હશે. પરંતુ તમે કયારેય એવા પોપટ જોયા છે જે અપશબ્દો બોલતા હોય.. બ્રિટનમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જયાં એક પ્રાણી સંગ્રહાલયમાંથી પાંચ પોપટને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા કારણ કે તેઓ ત્યાં આવેલા લોકોને અપશબ્દો બોલતા હતા.
ઉદ્યાનના મુખ્ય કારોબારીના જણાવ્યા અનુસાર, એરિક, જેડ, એલ્સી, ટાયસન અને બિલી નામના ગ્રે કલરના આ પાંચ આફ્રિકન પોપટ ને જુદા જુદા લોકો એ પ્રાણી સંગ્રહાલયને ભેટ આપ્યા હતા. આથી આ પાંચેય ને પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓને જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
તેમણે આગળ જણાવ્યું કે, ‘આ પોપટ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો સહિતના નાના બાળકોને અપશબ્દો બોલતા અને તેમના સાથે દુર્વ્યવહાર કરતા હતા. જેના કારણે પ્રાણી સંગ્રહાલયને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે ઘણા લોકો પોપટની દુર્વ્યવહારની મજા પણ લેતા હતા. પરંતુ તેની ખરાબ અસર બાળકો પર પડી રહી હતી. એટલે તેમને સંગ્રહાલય માંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. હું આશા રાખું છું કે છૂટા થયા પછી, આ પોપટ કેટલાક નવા શબ્દો શીખશે, પરંતુ જો આ દરમિયાન તેઓ વધુ ખરાબ ભાષા શીખ્યા, તો મને શું કરવું તે ખબર નથી.’