વિશ્વમાં છેલ્લા 27 વર્ષથી વિશ્વ વિકલાંગતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અપંગ લોકો એ અભાવ ધરાવતા લોકો નથી, પરંતુ તેઓ એવા લોકો છે જે ભગવાનને સૌથી પ્રિય છે, તેમનામાં જુદા જુદા ગુણો છે. આ લોકોમાં સામાન્ય લોકો કરતા વધુ આત્મ-શક્તિ અને ઇચ્છાશક્તિ હોય છે, જે તેમને અન્ય લોકોથી વિશેષ બનાવે છે, તેથી ભારતમાં વડા પ્રધાન મોદીના આગ્રહ પર તેઓને દિવ્યાંગ કહેવાય છે. પરંતુ આજે પણ દિવ્યાંગથી સંબંધિત વિશ્વમાં ઘણી સમસ્યાઓ છે. આ અવરોધ અને સમસ્યાઓને નાબૂદ કરવા માટે આ દિવસ ને મનાવવામાં આવે છે.
દિવ્યાંગોને સમાજમાં સલામત સ્થાન મળે, તે માટે 1992થી યુનોએ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી દર 3 ડિસેમ્બરે કરવામાં આવે છે. વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણીનો હેતુ છે. એની સાથેસાથે સમાજ જીવનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડવાથી થઈ શકતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ છે. પહેલાં આ દિવસ 'વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખાતો હતો.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે વિશ્વ વિકલાંગતા દિવસ માટે એક વિષય નક્કી કરવામાં આવે છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, આ વર્ષની થીમ થોડી અલગ છે. તે કોરોના સાથે જોડાયેલ છે. આ વર્ષની થીમ 'Building Back Better: toward a disability-inclusive, accessible and sustainable post COVID-19 World' છે. વિકલાંગ દિવસ માટેની પહેલી થીમ "પૂર્ણ ભાગીદારી અને સમાનતા" હતી. આ થીમ હેઠળ, સામાન્ય નાગરિકોની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, સમાજમાં વિકલાંગો માટેની તકો સમાન બનાવવા, લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.