News Continuous Bureau | Mumbai
BMC Election Results 2026: મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના 227 વોર્ડ માટે ગુરુવારે થયેલા મતદાન બાદ આજે, 16 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મુંબઈના 23 અલગ-અલગ કેન્દ્રો પર મતોની ગણતરી કરવામાં આવી રહી છે. જોકે, આ વખતે મતગણતરીની પ્રક્રિયામાં બીએમસી દ્વારા કરવામાં આવેલા ફેરફારને કારણે અંતિમ પરિણામો અને શરૂઆતી વલણો જાણવા માટે મુંબઈગરાઓએ થોડી લાંબી રાહ જોવી પડી શકે છે. મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે, સુરક્ષા અને પારદર્શિતાને ધ્યાનમાં રાખીને આ વખતે નવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે. 2017ની ચૂંટણીમાં તમામ વોર્ડની ગણતરી એકસાથે શરૂ થઈ હતી, પરંતુ આ વખતે દરેક કેન્દ્ર પર એકસાથે માત્ર બે-બે વોર્ડની જ ગણતરી કરવામાં આવશે. આ ફેરફારને કારણે સવારે 10 વાગ્યે માત્ર 46 વોર્ડની ગણતરી શરૂ થઈ શકી છે.
મતગણતરી પ્રક્રિયામાં કેમ થયો ફેરફાર?
અધિકારીઓના મતે, એકસાથે તમામ વોર્ડને બદલે માત્ર બે-બે વોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માનવ સંસાધનનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે અને પ્રક્રિયા ઝડપી બનશે. જોકે, આનો ગેરફાયદો એ છે કે શરૂઆતમાં તમામ 227 બેઠકોના વલણો એકસાથે મળી શકશે નહીં. અધિકારીઓના અંદાજ મુજબ, આ નવી પદ્ધતિને કારણે અંતિમ પરિણામો જાહેર કરવામાં સામાન્ય કરતા એક કલાક જેટલો વધુ સમય લાગી શકે છે.
1,700 ઉમેદવારો અને 74,400 કરોડનું બજેટ
ભારતની સૌથી ધનિક મહાનગરપાલિકાની સત્તા મેળવવા માટે આ વખતે મેદાનમાં 1,700 ઉમેદવારો છે. બીએમસીનું વર્ષ 2025-26 નું બજેટ 74,400 કરોડ રૂપિયા છે, જે અનેક નાના રાજ્યોના બજેટ કરતા પણ વધુ છે. 2017 પછી પહેલીવાર ચૂંટાયેલી બોડી આટલા મોટા બજેટ અને મુંબઈના વહીવટની કમાન સંભાળશે. મતગણતરી કેન્દ્રો પર 2,299 કર્મચારીઓ તૈનાત છે અને સમગ્ર પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહી છે.
એક્ઝિટ પોલ અને રાજકીય સમીકરણો
ગઈકાલે જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલ મુજબ, ભાજપ અને શિંદે જૂથની ‘મહાયુતિ’ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ‘મહાવિકાસ આઘાડી’ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. મરાઠી મતોના વિભાજન અને નવા સીમાંકનને કારણે અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. મુંબઈના 23 રિટર્નિંગ ઓફિસરોના કાર્યક્ષેત્રમાં સીસીટીવી (CCTV) દેખરેખ હેઠળ અત્યંત ચુસ્ત સુરક્ષા વચ્ચે મતોની ગણતરી ચાલુ છે.
Join Our WhatsApp Community