News Continuous Bureau | Mumbai
- એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે
Natural Farming India માહિતી બ્યુરો-સુરત:બુધવાર: ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સ્વસ્થ વ્યક્તિનું મહત્વનું યોગદાન રહેશે. જો વ્યક્તિ સ્વસ્થ હશે તો, સ્વસ્થ સમાજ થશે અને સ્વસ્થ સમાજ થકી જ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે. વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ અને નિરોગી રહી શકે જયારે તેને રસાયણમુક્ત પોષણયુક્ત આહાર મળે અને એ માટે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે આજના સમયની માંગ છે.
દેશભરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકારના માર્ગદર્શન અન્વયે મહાઅભિયાન ચાલી રહ્યું છે. પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૈામૂત્ર થકી ઓછા ખર્ચે થતી કૃષિ એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી ખાતર, દવા અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે દેશ આત્મનિર્ભર બને. પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભરતા તરફનું એક કદમ છે. પ્રાકૃતિક કૃષિ થકી ગામ અને દેશમાં સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે. પ્રાકૃતિક કૃષિ મૂળ પાંચ આધાર સ્તંભ ઉપર કામ કરે છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓનો સમાવેશ થાય છે. આ આધારસ્તંભનો યોગ્ય, વ્યવસ્થિત અને સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે પણ ઉપયોગી નિવડી શકે છે. ખેતીની જમીનોમાં ઓર્ગેનીક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક, સલ્ફર વગેરે પોષકતત્વોની મોટી ઊણપ હોવાથી કોઈપણ પ્રકારની કૃષિ પ્રવૃતિમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર થયેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા, પોષકતત્વોની ઉપલબ્ધિ વધે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃત ઉપયોગ કરી જમીનને તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ અને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે ખુબ જ સારા પરિણામો મળે છે.
તો ચાલો, સ્વસ્થ અને પોષણયુક્ત ખોરાક તમામ લોકોને મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ અને જમીનને બંજર થતી અટકાવી, ફળદ્રુપ બનાવીએ. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં વડાપ્રધાનશ્રીના સ્વપ્નને ચરિતાર્થ કરવા સહભાગી બનીએ.