News Continuous Bureau | Mumbai
Waqf: વકફ કાયદામાં પ્રસ્તાવિત સુધારાનો ઉદ્દેશ્ય વકફ બોર્ડોમાં પારદર્શિતા અને સુધારા લાવવાનો છે, પરંતુ તેનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે, 2 એપ્રિલે, સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવશે. સરકાર પહેલા લોકસભામાં સુધારિત બિલ રજૂ કરશે. સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે.
વકફ શું છે?
વકફ એક ઇસ્લામિક પરંપરા છે જેમાં કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિને ધાર્મિક, સામાજિક અથવા પુણ્ય કાર્યો માટે કાયમી રીતે સમર્પિત કરે છે. આ સંપત્તિ કાયમી રીતે વકફ બોર્ડના અધિન રહે છે અને તેનો ઉપયોગ સમુદાયના હિત માટે કરવામાં આવે છે. આ સંપત્તિ કૃષિ જમીન, મકાન, દરગાહ, મસ્જિદ, શાળા, હોસ્પિટલ, કબ્રસ્તાન, ઇદગાહ જેવા અનેક રૂપોમાં હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Waqf Amendment Bill : વકફ બિલ: કયા પક્ષો સમર્થન અને વિરોધમાં છે? લોકસભા-રાજ્યસભાના નંબર ગેમ શું કહે છે?
વકફ બોર્ડ અને તેની ભૂમિકા
ભારતમાં વકફ બોર્ડ સ્થાનિક સ્તરે દરેક રાજ્યમાં હોય છે, જે વકફ સંપત્તિઓનું વ્યવસ્થાપન કરે છે. વકફ બોર્ડ પાસે કુલ 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ સંપત્તિઓ છે. આ સંપત્તિઓની કુલ કિંમત 1.2 લાખ કરોડ સુધી આંકવામાં આવે છે, જેનાથી તે ભારતના સૌથી મોટા જમીન માલિકોમાંનું એક બની જાય છે. વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાપન ભૂલો અને કાનૂની વિવાદોના કારણે ઘણી વકફ સંપત્તિઓ કોર્ટમાં પણ પહોંચી ગઈ છે.
સરકાર વકફ કાયદામાં કેમ સુધારા કરી રહી છે?
વકફ એક્ટ 1995માં પ્રસ્તાવિત સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય વકફ બોર્ડોના કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને તેમનું મેનેજમેન્ટ વધુ અસરકારક બનાવવાનો છે. વર્તમાનમાં વકફ બોર્ડના મોટાભાગના સભ્યો ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવે છે, પરંતુ નવા બિલ હેઠળ આ બોર્ડના સભ્યો સરકારી નામાંકિત હશે. આ ઉપરાંત, વકફ સંપત્તિઓનું રજીસ્ટ્રેશન અને યોગ્ય મૂલ્યાંકન કરવું અનિવાર્ય હશે, જેથી સંપત્તિઓનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થઈ શકે. આ ઉપરાંત વકફ ટ્રીબ્યુનલનો કોઈ પણ નિર્ણય હવેથી કોર્ટમાં પડકારી શકાશે. આ ઉપરાંત કલેક્ટર પાસે સંપત્તીઓનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કૂલ મળીને સરકાર 14 સુધારા કરવા જઈ રહી છે જેને કારણે વકફમાં પારદર્શકતાઓ આવશે.