News Continuous Bureau | Mumbai
India-EU Trade Deal:અમેરિકી પ્રતિનિધિ ગ્રીરે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ભારત અને EU વચ્ચેનો આ કરાર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. તેમના મતે, આ સમજૂતીથી ભારતીય ઉત્પાદનોને યુરોપના બજારોમાં મોટી એન્ટ્રી મળશે અને ભારતીય નાગરિકો માટે યુરોપમાં સ્થળાંતર (Immigration) ની તકો પણ વધશે.
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સ્થિરતાનું પ્રતીક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુરોપિયન નેતાઓ સાથે આ કરારની જાહેરાત કરતા કહ્યું હતું કે, “ભારત-EU સહયોગ અસ્થિર વૈશ્વિક વ્યવસ્થામાં સ્થિરતા લાવશે.” અમેરિકાના નેતાઓ પણ માની રહ્યા છે કે આ ડીલથી ભારતની ચીન અને અમેરિકા પરની નિર્ભરતા ઘટશે અને ભારત એક મજબૂત આર્થિક શક્તિ તરીકે ઉભરશે.
વર્ષે ૪ અબજ યુરોની બચત
યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું કે આ FTA થી યુરોપિયન નિકાસકારોને દર વર્ષે ડ્યુટીમાં ૪ અબજ યુરો (આશરે ₹૩૬,૦૦૦ કરોડ) સુધીની બચત થશે. તે જ રીતે, ભારતીય નિકાસકારોને પણ ટેક્સટાઈલ, ફાર્મા અને કૃષિ ઉત્પાદનોમાં મોટો ફાયદો મળશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ સમજૂતીને ‘૨૦૩૦ના વિઝન’ વાળી દૂરંદેશી સમજૂતી ગણાવી છે.
આ સમાચાર પણ વાંચો: Sonamarg Avalanche: કાશ્મીરમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: સોનમર્ગમાં ભયાનક હિમસ્ખલન, સેકન્ડોમાં હોટેલો અને રસ્તાઓ બરફ નીચે દબાયા; જુઓ વીડિયો
સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા પર ભાર
આ કરાર માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી. તે સંરક્ષણ સહયોગ, આર્થિક સંબંધો અને દરિયાઈ સુરક્ષાને પણ મજબૂત બનાવશે. આ સમજૂતી હેઠળ ભારતીય કર્મચારીઓ માટે યુરોપમાં કામ કરવા માટેના કાયદેસરના રસ્તાઓ (Legal pathways) વધુ સરળ બનશે, જે આઈટી અને હેલ્થકેર સેક્ટરના પ્રોફેશનલ્સ માટે ખુશીના સમાચાર છે.
