News Continuous Bureau | Mumbai
LPG Price Hike મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા દરો આજથી એટલે કે 7 માર્ચ 2026 થી જ અમલમાં આવી ગયા છે. નોંધનીય છે કે એપ્રિલ 2025 પછી પ્રથમ વખત ઘરેલું ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
જાણો તમારા શહેરમાં નવા ભાવ
આ વધારા બાદ 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવ મુખ્ય શહેરોમાં નીચે મુજબ છે:
દિલ્હી: ₹853 થી વધીને ₹913
કોલકાતા: ₹879 થી વધીને ₹939
ચેન્નાઈ: ₹868.50 થી વધીને ₹928.50
તેવી જ રીતે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ₹115નો વધારો થયો છે. હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ₹1883 અને મુંબઈમાં ₹1835 માં મળશે. આ વધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ખાણીપીણીના વ્યવસાયો પર પડશે, જેનાથી બહાર જમવું પણ મોંઘું થઈ શકે છે.
સરકારનો પક્ષ અને એનર્જી સપ્લાય
ભાવ વધારા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જનતાને આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ અછત સર્જાશે નહીં. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સરકાર નાગરિકોને સસ્તું અને ટકાઉ ઈંધણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા અવરોધો છતાં ભારત પાસે અન્ય સ્ત્રોતોમાંથી પૂરતી સપ્લાય છે, તેથી ગભરાવાની જરૂર નથી.
આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
મોંઘવારીનો ડબલ ફટકો
એક તરફ મહારાષ્ટ્રના પુણે જેવા શહેરોમાં કોમર્શિયલ ગેસની સપ્લાય અટકાવવામાં આવી છે, ત્યારે બીજી તરફ સમગ્ર દેશમાં ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ લાંબુ ખેંચાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતો અસ્થિર બની છે, જેની અસર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ જોવા મળી શકે છે.