ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિનમાંની એક, ટાઈમ એ વર્ષ 2020 ના સૌથી પ્રભાવશાળી લોકોની સૂચિ બહાર પાડી છે. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું છે. તો સાથે જ આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, HIV પર રિસર્ચ કરનાર રવિંદર ગુપ્તા અને શાહીન બાગ આંદોલનને લઈને ચર્ચામાં આવેલા બિલ્કિસ દાદીનું નામ પણ ભારતીયોની યાદીમાં શામેલ છે.
ટાઇમ મેગેઝિને વડાપ્રધાન મોદી વિશે લખ્યું છે, 'લોકશાહીમાં તેઓ સૌથી મોટા નેતા છે જેને સૌથી વધુ મત મળ્યા છે. લોકશાહીના ઘણા પાસાં છે જેમાં વિજેતા નેતાને મત ન આપનારાઓના હકની પણ વાત કરવામાં આવે છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જ્યાં દરેક ધર્મના લોકો રહે છે.’
તો એમ ટીવીના રોડિઝ શોના સ્પર્ધકથી પોતાના સફળ કરિયરની શરૂઆત કરનારા આયુષ્યમાન ખુરાના આ લિસ્ટમાં સામેલ થનાર એકમાત્ર ઈન્ડિયન એક્ટર છે. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. 2012માં વિકી ડોનર ફિલ્મથી કેરિયરની શરૂઆત કરનાર આયુષ્યમાન ખુરાનાએ અનેક ચેલેન્જિંગ અને ફિલ્મો કરી છે. અને ફિલ્મ અંધાધૂંધ માટે તેને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.
નોંધપાત્ર વાત છે કે ટાઇમની આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, તાઇવાનની રાષ્ટ્રપ્રમુખ ત્સાઈ ઇંગ વેન, કમલા હેરિસ, જો બાઇડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતા સામેલ છે.
