ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર, 2021
સોમવાર
નસીબનો ખેલ અજબ છે. પલટે ત્યારે રંકને રાજા બનાવી શકે છે. આવું જ કંઈક આવું જ કંઈક ઓડિશાના એક રિક્ષાચાલક સાથે થયું. વાસ્તવમાં ઓડિશાના કટકમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ પોતાની અને તેના પરિવારની 25 વર્ષની સેવા કરવા માટે પોતાની તમામ મિલકત એક રિક્ષાચાલકને આપી દીધી. સેવા કરતા મેવા મળે આ કહેવત સાવ સાચી પડી.
63 વર્ષીય મિનાતી પટનાયકે તેનું ત્રણ માળનું ઘર, સોનાના ઘરેણા અને તમામ સંપત્તિ એક રિક્ષાચાલક બુદ્ધ સામલને દાનમાં આપી દીધી છે. બુદ્ધ સામલ છેલ્લા બે દાયકાથી આ પરિવારની સેવા કરી રહ્યો છે, જેનું પરિણામ તેને આ રીતે મળ્યું.
મિનાતી પટનાયકના પતિનું ગયા વર્ષે કિડની ફેલ થવાને કારણે મૃત્યુ થયું હતું. આ પછી વૃદ્ધા તેની પુત્રી કોમલ સાથે રહેતી હતી. તાજેતરમાં કોમલનું પણ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. ત્યારબાદ મિનાતીએ તેની તમામ મિલકત ગરીબ રિક્ષાચાલકના પરિવારને સોંપવાનું નક્કી કર્યું.
એક મીડિયા અહેવાલ અનુસાર, મિનાતી પટનાયકે જણાવ્યું કે હું મારા પતિ અને પુત્રીના મૃત્યુ પછી ભાંગી પડી હતી અને દુઃખમાં જીવી રહી હતી. મારી સાથે આ દર્દનાક અકસ્માત થયા પછી પણ કોઈ સંબંધીએ મને સાથ આપ્યો નહીં. હું સાવ એકલી હતી. જો કે, આ રિક્ષા ચાલક અને તેનો પરિવાર મારા મુશ્કેલ સમયમાં મારી પડખે ઉભો રહ્યો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના મારા સ્વાસ્થ્યની કાળજી લીધી. વૃદ્ધાએ કહ્યું કે મારા સંબંધીઓ પાસે પૂરતી મિલકત છે અને હું હંમેશા મારી મિલકત ગરીબ પરિવારને આપવા માગતી હતી. મેં બુદ્ધ અને તેમના પરિવારને કાયદેસર રીતે બધું દાન કરવાનું નક્કી કર્યું જેથી મારા મૃત્યુ પછી કોઈ તેમને ખલેલ ન પહોંચાડે.
મીડિયાને મિનાતી પટનાયકે જણાવ્યું હતું કે બુદ્ધ અને તેનો પરિવાર છેલ્લા 25 વર્ષથી તેમના પરિવારની સેવામાં વ્યસ્ત છે. વૃદ્ધાની દીકરીને રોજ રીક્ષામાં કોલેજમાં લઈ જતો હતો. તે આ પરિવારનો રિક્ષા ડ્રાઈવર છે. પટનાયક પરિવાર પ્રત્યેના બુદ્ધ સામલના સમર્પણથી તેને આ પુરસ્કાર મળ્યો છે.
જોકે, મિનાતી પટનાયકની ત્રણમાંથી બે બહેનોએ રિક્ષાચાલક અને તેના પરિવારને મિલકત સોંપવાના તેના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. મિનાતી પણ પોતાના નિર્ણય પર અડગ રહી. તેમજ રિક્ષાચાલકે કહ્યું હતું કે મારા મૃત્યુ સુધી મારી માતાની સેવા કરતો રહીશ.