ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જ્યાં એક ગ્રાહકને માસ્ક પહેર્યા વગર બૅન્કમાં પ્રવેશવું ભારે પડી ગયું હતું. બરેલીની બૅન્ક ઑફ બરોડાની એક બ્રાન્ચમાં માસ્ક ન પહેરવા બદલ બૅન્ક ગાર્ડે એક ગ્રાહકને પગમાં ગોળી મારી દીધી હતી. પોલીસે ઈજાગ્રસ્ત ગ્રાહકને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યારે ગાર્ડની પોલીસે અટકાયત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રેલવેમાં કામ કરતા રાજેશકુમાર બૅન્કના કામકાજને લઈને ગઈ કાલે સવારે 11 વાગ્યાની આસપાસ બરેલીના જંક્શન રોડ પર સ્થિત બૅન્ક ઑફ બરોડાની બ્રાન્ચમાં ગયા હતા. તેમણે માસ્ક પહેર્યું ન હોવાના કારણે દરવાજે ઊભેલા બૅન્કના ગાર્ડે તેમને ટોક્યા હતા. ત્યાર બાદ આ જ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ ગઈ હતી.
હકીકતમાં, રેલવે કૉલોનીમાં રહેતો રાજેશ રાઠોડ પાસબુક ભરાવવા માટે શહેરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન રોડ પર બૅન્ક ઑફ બરોડામાં ગયો હતો. રાજેશની પત્નીએ જણાવ્યું હતું કે રાજેશે માસ્ક પહેર્યો નહોતો, તેથી ગાર્ડે તેને બૅન્કમાં પ્રવેશવા દીધો નહીં. રાજેશ ઘરેથી એક માસ્ક લાવ્યો હતો, પરંતુ તેમ છતાં ગાર્ડે તેને બૅન્કમાં ના જવા દીધો અને તેને પગમાં ગોળી મારી દીધી.
ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ, SSP અને SP સિટી ઘટનાસ્થળે પહોંચી હતી. SSP રોહિતસિંહ સજવાને જણાવ્યું હતું કે, ગાર્ડ અને રેલવે કર્મચારી વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જેના કારણે તેણે રાજેશને ગોળી મારી દીધી હતી. રાજેશને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ગાર્ડને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.