ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને જો તમને કંઈક કરવાની ઇચ્છા હોય તો તમારી ઉંમર પણ એમાં અડચણરૂપ નથી બનતી. મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાનાં 90 વર્ષીય દાદી રેશમબાઈ તંવરે આ વાત સાચી સાબિત કરી છે. જે વયે તેઓ હાઇવે પર ગાડી ચલાવે છે, જેમાં મોટા ભાગના વૃદ્ધો યાત્રા પર જાય છે અથવા ઘરે રહેવાનું પસંદ કરે છે.
હાલ સોશિયલ મીડિયા પર 90 વર્ષીય દાદીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દાદી રેશમબાઈ હાઇવે પર કાર ચલાવી રહ્યાં છે અને તેમના ચહેરા પરનો આત્મવિશ્વાસ પણ દેખાય છે. રેશમબાઈ તંવરનો કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રેશમબાઈ કેવી રીતે રસ્તા પર હાઈ સ્પીડમાં વાહન ચલાવી રહ્યાં છે.
મોદી સાહેબની બિઝનેસ ડિપ્લોમેસીઃ અમેરિકામાં આ વેપારીઓ સાથે ચાલી રહી છે મિટિંગ; જાણો વિગત
હકીકતમાં મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાથી નજીક 7 કિલોમીટર દૂર બિલાવલી ગામમાં રહેતાં 90 વર્ષનાં રેશમબાઈ એવી રીતે કાર ચલાવે છે જાણે કોઈ અનુભવી ડ્રાઇવર ગાડી ચલાવે છે. આ ઉંમરે તેઓએ પૌત્રીને કાર ચલાવતાં જોઈને માત્ર 3 મહિનામાં જ ડ્રાઇવિંગ શીખી લીધું. સામાન્ય રીતે યુવાનો જ ટૂ વ્હીલર કે ફોર વ્હીલર ગાડી ચલાવતા જોવા મળે છે, એવામાં દાદીની ડ્રાઇવિંગ ખરેખર માણવા લાયક છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે 90 વર્ષીય દાદીએ હાઇવે પર કાર ચલાવી ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને ટ્વીટ કરીને તેમની પ્રશંસા કરી હતી.