ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
બોસ અને કર્મચારીના સંબંધની વાત આવે એટલે, જે તારક મહેતા… ધારાવાહિક જોતા હશે તેમને અવશ્ય તારક મહેતા અને તેના બોસની યાદ આવશે જ.
એટલે જ 11 દેશોની પોલીસ માટે ડોનને પકડવો આસાન હશે પણ બોસ પાસેથી રજા લેવી અઘરી જ નહીં પણ અશક્ય! સામાન્ય રીતે, કર્મચારીઓને માત્ર કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ અથવા ગંભીર બાબતો માટે રજા લેવાનું કહેવામાં આવે છે. પરંતુ લોકોના જીવનમાં ઘણા એવા કામ હોય છે જે ઓફિસ કે બોસ માટે બહુ જરૂરી નથી લાગતા પરંતુ કર્મચારીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં, તે બાબતે રજા મેળવવી મુશ્કેલ બની જાય છે. પછી કર્મચારીઓ વિચિત્ર બહાના કરીને રજા લેવા માંગે છે, પરંતુ એક વ્યક્તિએ રજા લેવાનું એવું બહાનું શોધી કાઢ્યું, જેનાથી તેના બોસ ગુસ્સે થઈ ગયા. એટલું જ નહીં, આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ દંગ છે કે કોઈ આવું બહાનું કેવી રીતે બનાવી શકે.
વાત જાણે એમ છે કે ઈંગ્લેન્ડના બ્રિસ્ટોલમાં રહેતા કેન મોરે તાજેતરમાં જ તેના એક કર્મચારીને મેસેજ કરીને પૂછ્યું કે તે ક્યારે ઓફિસ આવશે. કેન હંમેશા ઈચ્છે છે કે તેના કર્મચારીઓ નિયમિતપણે ઓફિસમાં આવે. પરંતુ સ્ટાફે જવાબ આપ્યો કે તે સ્વચ્છ મોજાં શોધી શકતો નથી અને તેની ગર્લફ્રેન્ડે તેના ગંદા મોજાં ધોયા નથી તેથી તે ઓફિસમાં આવી શકશે નહીં. વધુમાં તેણે કહ્યું કે તેના જૂતામાં કાણું છે, તેથી તે મોજા વિના જૂતા પહેરી શકતો નથી. આ મેસેજ વાંચીને કેન ગુસ્સે થઈ ગયો, પરંતુ તેમ છતાં, પોતાની જાતને કાબૂમાં રાખીને તેણે કહ્યું, “તમે મજાક કરો છો! તમે આવી રહ્યાં નથી કારણકે તમારી પાસે મોજાં નથી! આ શું મજાક છે. ઠીક છે, કાલે મળીએ, પણ જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત, તો મેં તેને ફરીથી ઑફિસમાં પ્રવેશવા દીધો ન હોત.”
સોશિયલ મીડિયા પર લોકોએ કર્મચારી પર કોમેન્ટોનો વરસાદ કર્યો છે. કેનનો સ્ક્રીનશૉટ વાયરલ થયો ત્યારથી લોકો તેમના પ્રતિભાવો આપી રહ્યા છે. એકે કહ્યું કે બેકપેકર્સ 6 મહિના સુધી એક જ મોજાં ધોયા વગર પહેરે છે. તેથી તે પણ ગંદા મોજાં પહેરી શકે છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તેણે ગઈ કાલે રાત્રે વધુ પાર્ટી કરી હશે, તેથી તે ઓફિસમાં ન આવવાનું બહાનું બનાવી રહ્યો છે. બે માણસોએ બોસને સલાહ આપી કે, કેન એ માણસને ઓફિસ આવવાનું કહે અને કેન તેને તેના વતી મોજાં આપશે. બીજી વ્યક્તિએ કહ્યું કે કેને પોતે નવા મોજાં લઈને કર્મચારીના ઘરે જવું જોઈએ જેથી તેને ખબર પડે કે વાસ્તવિકતા શું છે.