ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોના વાયરસે ફરી આ વર્ષે તહેવારોની મજા પણ બગાડી નાખી છે. આજે મકર સંક્રાંતિના સ્નાનનું અનેરું મહત્વ છે પરંતુ હરિદ્વાર જિલ્લા પ્રશાસને સ્નાન પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ અંતર્ગત હરિદ્વારના સમગ્ર હર કી પૌડી ક્ષેત્રને બેરિકેડ્સ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા સમગ્ર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ લગાવીને આવનારા શ્રદ્ધાળુઓને હર કી પૌડી અને અન્ય ગંગા ઘાટો પર જતાં રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્નાન પર પ્રતિબંધ હોવાના કારણે હર કી પૌડી સહિતના તમામ ઘાટો સૂના પડ્યા છે અને આ બધા વચ્ચે આજ સવારની ગંગા આરતીમાં પણ ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય રીતે મકર સંક્રાંતિના સ્નાનનું ખૂબ મહત્વ હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં દેશભરના શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા માટે હરિદ્વાર આવે છે. જોકે કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી જિલ્લા પ્રશાસને સ્નાન પ્રતિબંધિત કરી દીધું છે.

તો બીજી તરફ પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં ગંગા સ્નાન માટે 3 લાખ લોકો એકઠાં થયા છે. હિંદુઓના સૌથી મોટા તીર્થ પ્રયાગરાજમાં આજથી માઘ મેળા અને કલ્પવાસ બંનેનો પ્રારંભ થયો છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવીને પવિત્ર ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મકરસંક્રાંતિ પર લાખો લોકો હરકી પૌડી પર એકઠા થાય છે. ગયા વર્ષે પણ કોરોના કાળ દરમિયાન પાંચ લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. પરંતુ આ વખતે જિલ્લા પ્રશાસને મકરસંક્રાંતિના ત્રણ દિવસ પહેલા સ્નાન પર પ્રતિબંધ મૂકી દીધો છે.
