ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 નવેમ્બર 2020
કોરોના ગયો નથી, કોરોના સંપૂર્ણ રીતે મટ્યો નથી કે હજી કોઈ દવા પણ શોધાય નથી, પરંતુ કોરોના સુષુપ્ત થયો છે. ગમે ત્યારે ઉથલો મારી શકે છે. નવેમ્બર માસની શરૂઆત સાથે જ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે તાવ, શરદી અને ઉધરસ થવા સ્વાભાવિક છે. પરંતુ અત્યારનો માહોલ જોતાં આ સામાન્ય લક્ષણો ના કરી શકાય.. જો 3 દિવસથી વધુ દિવસો તાવ શરદી ખાંસીના લક્ષણો જણાય તો કોરોના પણ હોય શકે છે.. આથી તરત જ ડૉક્ટર નો સંપર્ક સાધવો ખૂબ જ જરૂરી છે.
બેવડી ઋતુના કારણે લોકોને શરદી-ખાંસી અને ભારે અવાજ થઈ જવાની સમસ્યા સતાવી રહી છે. આવામાં જે લોકો આ તકલીફને સામાન્ય માનતા હોય તેમના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. એમ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ એ જણાવ્યું છે. આવામાં જે લોકો એવું માનતા હોય કે તેમને માત્ર શરદી-ખાંસી છે અને બિન્દાસ તેઓ બહાર ફરે અને બીજાના સંપર્કમાં આવે ત્યારે વાયરસ વધારે ફેલાવાની સંભાવના રહે છે.
નિષ્ણાત ડૉક્ટર ના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિને શરદી-ખાંસી વધી જાય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં કે પછી રસ્તા પર તૈયાર કરવામાં આવેલા કિઓસ્કમાં જઈને એન્ટિજન ટેસ્ટ કરાવી લેવી હિતાવહ છે. આમ થવાથી કોરોના એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો અટકાવી શકાય છે અને પરિવારની પણ સલામતી જળવાઈ રહે છે.
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતુ રોકવા માટે મનપા મિઠાઇ-ફરસાણનાં વેપારી, કપડા-હોઝિયરી અને વાસણનાં વિક્રેતા તેમજ સોના-ચાંદીનાં વેપારીઓનાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી રહી છે. કારણકે ખાસ આવા સ્થળોએ ભીડ વધુ થતું હોય છે જેને કારણે કોરોનાનો ચેપ વધુ ફેલાવાની શક્યતા રહેલી છે..