ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કોરોનાના નિયમોને અનુસરીને ભારતમાં અનેક સ્થળોએ યોગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન કૉન્ગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીના એક ટ્વીટથી વિવાદ સર્જાયો છે. અભિષેક મનુ સિંઘવીએ યોગને લઈને ॐ અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો હતો, જેનો યોગગુરુ બાબા રામદેવે જવાબ આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કૉન્ગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કર્યું હતું કે, ‘ॐનાઉચ્ચારણ ન તો યોગને વધારે શક્તિશાળી બનાવશે અને ન તો અલ્લાહ કહીને યોગની શક્તિમાં ઘટાડો થશે.’ આ ટ્વીટે એક નવો વિવાદ છેડ્યો છે. યોગને હિન્દુ-મુસ્લિમ સાથે જોડનારા આ મામલાને સોશિયલ મીડિયા પર લોકો રાજનીતિ સાથે જોડી રહ્યા છે.
આ રાજ્યમાં તમામ નદીઓ માં પુર આવ્યું. અનેક હાઇવે પર પાણી..
સિંઘવીના ટ્વીટ સંબંધિત એક ચૅનલ સાથે વાત કરતી વખતે યોગ ગુરુ રામદેવે પ્રતિક્રિયા આપી. રામદેવે કહ્યું કે 'ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.' અલ્લાહ, ભગવાન, ખુદા બધું એક જ છે, એવામાં ॐ બોલવામાં શું મુશ્કેલી છે. પરંતુ આપણે કોઈને ખુદા બોલતા ન અટકાવી શકીએ. આ બધાએ પણ યોગ કરવો જોઈએ, બાદમાં તે બધાને એક જ પરમાત્મા દેખાશે એવી સલાહ પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતની પહેલ બાદ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવાય છે. આજે દેશનાં વિવિધ ક્ષેત્રોમાં અનેક કાર્યક્રમ ઊજવાઈ રહ્યા છે, યોગગુરુ રામદેવ પોતે હરિદ્વાર ખાતે પોતાના આશ્રમમાં યોગ કરાવી રહ્યા છે. આ નિમિત્તે આજે વડા પ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે વિશ્વમાં યોગના પ્રસારને કોરોના કાળમાં સુરક્ષા કવચ સમાન ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે એમ-યોગ ઍપ લૉન્ચ કરી હતી, જેના દ્વારા વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં યોગ શીખવાની તક મળશે.